તમીલનાડુમાં દારૂની દુકાનો ખુલતા યુવાને દારૂની બોટલની આરતી કરી !
તમીલનાડુઃ દારૂની બોટલ ખરીદ્યા બાદ એક યુવાને બોટલને કીસ કરી, આરતી કરી, પ્રાર્થના કરી હતી. આ દ્રશ્ય તેણે દારૂની દુકાન બહાર જ ભજવ્યું હતું. તમીલનાડુ દ્વારા ર૧ મી જુન સુધી વધુ એક લોકડાઉન લંબાવાયા બાદ થોડી છુટછાટો આપવામાં આવી છે. એમકે સ્ટાલીન વડપનવાળી સરકારે તમીલનાડુ સ્ટેટ માર્કેટીંગ કોર્પોરેશનના નામે સરકારી લીકર શોપ (દારૂની દુકાનો) ર૭ જીલ્લાઓમાં ચોક્કસ ટાઇમ પીરીયડ માટે ખોલતા દારૂના શોખીનોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી અને દારૂ ખરીદવા ઉમટી પડયા હતા. મદુરાઇની આવી એક દારૂની દુકાન બહાર એક આશ્ચર્યજનક દ્રશ્ય નજરે પડયું હતું. જેમાં દારૂની દુકાનમાંથી દારૂ ખરીદાયા બાદ દારૂના રસીયાએ ખરીદેલી બોટલને કીસ કરી, રસ્તા ઉપર જ તેની સામે રાખી આરતી ઉતારી, પૂજા કરી હતી. આ ફોટો ખુબ વાયરલ થયો છે. દુકાનના પગથીયે જ આ દ્રશ્ય ભજવાયું હતું.