મુખ્ય સમાચાર
News of Tuesday, 15th June 2021

સ્‍વદેશી માસ્‍કના સંપર્કમાં આવતાં જ કોરોના વાયરસ થશે નિષ્‍ક્રિય

પુણેની ફર્મે થ્રીડી પ્રિન્‍ટિંગ અને દવાઓના મિશ્રણથી એક ખાસ માસ્‍ક તૈયાર કર્યું

પુણે,તા. ૧૫: કોરોના વાયરસની બીજી લહેર વચ્‍ચે દેશ માટે રાહત આપતાં સમાચાર આવ્‍યા છે. મહારાષ્ટ્રના પુણેમાં સ્‍થિત એક સ્‍ટાર્ટ અપ ફર્મે ખાસ પ્રકારનો માસ્‍ક તૈયાર કર્યો છે. જેના પહેરવાથી કોરોના વાયરસ તમને સંક્રમિત નહીં કરી શકે. કંપનીએ દાવો કર્યો છે કે, ખાસ પ્રકારની માસ્‍કના સંપર્કમાં આવતાં જ કોરોના વાયરસ ઇનેક્‍ટિવ એટલે કે નિષ્‍ક્રિય બની જશે.

નોંધનીય છે કે, વૈશ્વિક કોરોના મહામારીની શરૂઆતથી વિશ્વભરની આરોગ્‍ય સંસ્‍થા સહિત નિષ્‍ણાંતો માસ્‍કના સતત ઉપયોગ પર જોર આપી રહ્યા છે. એવામાં ભારતમાં નિર્માણ પામેલા આ ખાસ માસ્‍કની મહત્તા આવનારા સમય પર આધાર રાખે છે.

સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી- DSTએ સોમવારે આ અંગેની માહિતી આપી હતી. તેના જણાવ્‍યા મુજબ પુણેની ફર્મે થ્રીડી પ્રિન્‍ટિંગ અને દવાઓના મિશ્રણથી એક ખાસ માસ્‍ક તૈયાર કર્યું છે. જેના સંપર્કમાં આવતાં જ વાયરસ પાર્ટિકલ્‍સ નિષ્‍ક્રિય બની જાય છે. થિંક્ર ટેકનોલોજી ઇન્‍ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ આ ખાસ માસ્‍ક તૈયાર કર્યું હોવાનો દાવો કરી રહી છે. જેની પર વાયરસને અટકાવવા માટે એન્‍ટી એજન્‍ટ લેપ લગાવવામાં આવે છે. આ એજન્‍ટ વિષાણુનાશક કહેવામાં આવે છે.

ડીએસટીએ જણાવ્‍યું કે પરીક્ષણ કરીને રજૂ કરવામાં આવ્‍યું છે કે આ લેપ સાર્સ-કોવ-૨ને નિષ્‍ક્રિય કરે છે. વિભાગ મુજબ લેપમાં ઉપયોગમાં લેવામાં આવેલી સામગ્રી સોડિયમ સલ્‍ફાનેટ મિશ્રણ છે. જેનો ઉપયોગ સાબુ બનાવવામાં થાય છે.

પોતાના ખાસ માસ્‍ક વિશે માહિતી આપતાં કંપનીએ પણ દાવો કર્યો છે કે કંપની આ અનુભવ કરી રહી છે કે માસ્‍ક સંક્રમણને રોકવામાં તમામ રીતે એક ખાસ હથિયાર તરીકે ઉભરી આવશે. પરંતુ હાલમાં લોકો દ્વારા ઉપયોગમાં લેવાતાં માસ્‍ક દ્યરે બનેલા અને ઓછી ગુણવત્તાવાળા હોય છે. એવામાં આવા ખાસ માસ્‍ક તૈયાર કરવાની પ્રેરણા મળી. જે સંક્રમણને રોકવા માટે શ્રેષ્ઠ શરુઆત હશે.

(10:53 am IST)