મુખ્ય સમાચાર
News of Saturday, 15th June 2019

અમરનાથ યાત્રા ઉપર અનેક આતંકી સંગઠનોનો ડોળો

યાત્રાના રૂટ ઉપર આતંકી ખોજ અભિયાન પુર જોશમાં:સેના, સીઆરપીએફ, બીએસએફ તથા પોલીસ કોઈપણ ષડયંત્રને નાકામ બનાવવા સજજ : સંખ્યાબંધ આતંકીઓ ઘુસી ગયા છેઃ યાત્રા માર્ગ કે આસપાસ એકત્ર થયા છેઃ મોટાપાયે આમનો સામનો થાય તેવી ભીતિ

જમ્મુ (સુરેશ ડુગ્ગર દ્વારા): અનંતનાગમાં થયેલ આત્માઘાતી હુમલા બાદ  અમરનાથ યાત્રા બધા માટે અગ્નિ પરીક્ષા સાબીત થનાર છે. અધિકારીઓના જણાવ્યા મુજબ કેટલાય આતંકીઓ આ ઘટનાને અંજામ આપવા કાશ્મીરમાં ઘુસી ચુકયા છે અને યાત્રાની આસપાસના વિસ્તારોમાં ડેરો જમાવી ચુકયા છે. આતંકીઓ આઈએસ પ્રકારના ''વોલ્ફ હુમલા'' પણ કરી શકે છે.

આતંકીઓના ૨૦૧૭માં અમરનાથ યાત્રા ઉપર હુમલામાં ૯ ભાવિકોના મોત થયા હતા. અનંતનાગ હુમલો પણ એ જ પ્રકારનો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ અમરનાથ યાત્રા પહેલા આ હુમલો પ્રેકટીસ સમાન હોય શકે છે.

સીમા પાર રચવામાં આવેલ ષડયંત્રોના સંકેતો જાસુસી સંસ્થાઓને મળી રહયા છે. આવો હુમલો કરવાની ફરી કોશીશ થઈ શકે છે. એવામાં સેના, બીએસએફ, પોલીસ, સીઆરપીએફએ શીબીરો આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી છે. સાથો- સાથ તમામ સુરક્ષા એજન્સીઓએ પોતાની બેઠકોમાં ઉચ્ચ અધિકારીઓએ સુરક્ષાના દરેક સ્તરે હુમલો નાકામ કરવાની રણનીતી તૈયાર કરી લીધી છે.

જમ્મુ શહેરમાં પહેલા પણ આત્મઘાતી હુમલાઓ થયા છે, પણ મોટા ભાગના હુમલાઓમાં આતંકીઓએ  સૈન્ય શીબીરોમાં ઘુસી ઘટનાને અંજામ આપેલ. આવામાં જમ્મુમાં પણ સુરક્ષા દળો ચોકન્ના બન્યા છે. સેના, સુરક્ષા દળોની પુરી કોશીશ છે કે જાસુસી એજન્સીઓ સાથે બહેતર સમન્વય દ્વારા આતંકીઓના મનસુબાઓ નાકામ કરી દેવાય.

અમરનાથ યાત્રાના ભાવિકોના યાત્રી નિવાસને સીઆરપીએફ પોતાના ઘેરામાં લઈ લેશે. રાજય પોલીસ પણ સુરક્ષામાં સહયોગ આપશે. શ્રધ્ધાળુઓનું ચેકીંગ, સામાનની તપાસની જવાબદારી પોલીસની રહેશે. યાત્રા પહેલા એક દિવસ અગાઉ ભાવિકો યાત્રિ નિવાસમાં પ્રવેશ કરી શકશે, જેથી વધુ ભીડ ન થાય.

પવિત્ર અમરનાથ યાત્રા શરૂ થવામાં થોડા દિવસો જ બાકી છે. ત્યારે સુરક્ષા દળો કોઈ ખતરો લેવા માગતા નથી. એટલા માટે જ એક મહિના પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલ યાત્રાના રૂટ ઉપર સાફ સફાઈ, બારૂદી સુરંગો અને આતંકીઓને ગોતવાનું અભિયાન પુર જોશમાં છે. સુરક્ષા દળો યાત્રિકોની સુરક્ષાને લઈને વ્યવસ્થા એકદમ ખાનગી રીતે કરી રહ્યા છે.

(1:09 pm IST)