મુખ્ય સમાચાર
News of Saturday, 15th June 2019

મોબાઇલની સ્ક્રીન માટે પણ લઇ શકાશે વીમો

તૂટી જશે તો મળશે ૧૨,૦૦૦ રૂપિયા વળતર

મુંબઇ, તા.૧૫: ગો  ડિજિટ જનરલ ઈન્શ્યોરંસ કંપનીએ વપરાયેલા મોબાઈલ ફોન માટે ખાસ પોલીસી રજૂ કરી છે. જે અંતર્ગત ફોનની સ્ક્રીનને નુકસાન થશે તો યૂઝરને વળતર આપવામાં આવશે. આ લો-વેલ્યૂ કવર નાના સોફટવેરની મદદથી શકય બનશે જે કંપનીને દૂરથી પણ ફોનની સ્થિતિ કેવી તેની માહિતી આપશે. જેથી અંડરરાઈટિંગ (વીમા પોલીસીની રૂએ દેવાની જવાબદારી લેવી) અને કલેમ સેટલમેન્ટમાં સરળતા રહે.

ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા એકસચેન્જ સ્કીમ દરમિયાન લેવામાં આવેલા વપરાયેલા ફોનનું મૂલ્યાંકન કરવા ઉપયોગમાં લેવાય છે તેવું જ આ સોફટવેર છે. જો કે, આ સોફટવેર ફોનની સ્ક્રીન ચાલે છે કે નહિ તેની જ ચકાસણી કરે છે. અમારા સહયોગી TOI સાથે વાત કરતાં ડિજિટ ઈન્શ્યોરન્સના ચેરમેન કામેશ ગોયલે કહ્યું, આ પ્રોડકટ લોન્ચ કરવા પાછળનો હેતુ યુવાનો સુધી પહોંચવાનો છે જેઓ વીમા અંગે પૂરતા જાગૃત નથી. આ સોફ્ટવેર મિનિટોમાં ફોનની બનાવટ, મોડલ અને IMEI નંબર ઓળખી કાઢશે. ડિજિટ આ પોલીસી અત્યાર સુધી ઈ-કોમર્સ વેબસાઈટ પર વેચાતા નવા મોબાઈલ પર આપતી હતી પરંતુ હવે વપરાયેલા મોબાઈલ માટે પણ આપવાનું શરૂ કર્યું છે.

કંપનીના માર્કેટિંગ હેડ વિવેક ચતુર્વેદીએ કહ્યું, ઘણા ગ્રાહકો ફોન ખરીદે ત્યારે તેની સલામતી વિશે વિચારતા નથી. ભારતમાં યૂઝ થયેલા ફોનનું માર્કેટ પણ ખૂબ મોટું છે. માર્કેટિંગ હેડ ચતુર્વેદીના જણાવ્યા મુજબ, મોબાઈલ સ્ક્રીનના વીમા કવરની કિંમત ૧૭૦૦ રૂપિયા જેટલી છે, જેને બદલવા માટે ૧૨૦૦૦ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. જો ફોનની સ્ક્રીન તૂટી જાય તો વીમો લેનારને ૧૨,૦૦૦ રૂપિયા વળતર મળે છે અને આ રૂપિયાથી તે સ્ક્રીન બદલાવી શકે છે.

વિવેક ચતુર્વેદીએ કહ્યું, મોબાઈલ ફોનના દેખાવ અને સ્ક્રીન રિઝોલ્યુશનથી આકર્ષાઈને ફોન ખરીદે છે. જૂના ફોન ખરીદનાર ગ્રાહકને પણ કવર અને સ્ક્રીન ગાર્ડનો ખર્ચો તો કરવો જ પડે છે. વીમો હશે તો ગ્રાહકો ફોન જેવો છે તેવો જ વાપરી શકશે.

(1:05 pm IST)