મુખ્ય સમાચાર
News of Friday, 15th June 2018

ઘટી શકે છે તમારી ટેક હોમ સેલેરી? મોદી સરકાર કરી રહી છે તૈયારી

સેલેરી સ્ટ્રકચરમાં મોટો ફેરફાર કરવાની તૈયારી :મજૂર કાયદામાં કરાશે ફેરફાર ! :દરેક વ્યકિતને પગારમાં મળતા હાઉસ રેન્ટ, લીવ ટ્રાવેલ અલાઉન્સ (LTA) સહિત અન્ય અલાઉન્સને બેઝિક સેલેરીના ૫૦ ટકાથી વધુ નહીં રાખી શકાય

નવી દિલ્હી તા. ૧૫ :આ વર્ષે બજેટમાં મોદી સરકારે પગારદારોને ટેકસના મામલે કોઈ મોટી રાહત ન આપી. હવે, સરકાર સેલેરીમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકાર તમારી સેલેરીના નિયમોમાં ફેરફારની તૈયારી કરી રહી છે. તે માટે મજૂર કાયદામાં ફેરફાર પર વિચાર ચાલી રહ્યો છે. જો એવું થશે તો તમારી સેલેરી પર પણ તેની અસર જોવા મળશે.

હકીકતમાં કેન્દ્ર સરકાર એવી વ્યવસ્થા કરવા જઈ રહી છે, જે અંતર્ગત કંપનીઓ તમારી બેઝિક સેલેરી ઓછી ન રાખી શકે. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ સરકાર બેઝિક સેલેરીને તમારા પગારનો મોટો ભાગ બનાવવાની તૈયારી કરી રહી છે.

જોકે, બેઝિક સેલેરીમાં વધારો થવાથી તમારી ટેક હોમ સેલેરી ઓછી થઈ જશે. કેમકે, બેઝિક પે વધવાથી પ્રોવિડન્ડ ફંડ, ઈન્શ્યોરન્સ અને ગ્રેજયુટીમાં તમારું યોગદાન વધી જશે. બીજો મોટો ફેરફાર જે આ નિર્ણયથી થશે, તે એ છે કે તમારે વધારે ટેકસ ચૂકવવો પડશે.

અહેવાલ મુજબ, સરકારનો પ્રસ્તાવ છે કે, દરેક વ્યકિતને પગારમાં મળતા હાઉસ રેન્ટ, લીવ ટ્રાવેલ અલાઉન્સ (LTA) સહિત અન્ય અલાઉન્સને બેઝિક સેલેરીના ૫૦ ટકાથી વધુ નહીં રાખી શકાય. તેનાથી ઉપર જે પણ સેલેરી એમ્પ્લોયર આપશે, તે બેઝિક પે તરીકે દર્શાવાશે. તેના આધારે જ પીએફ કોન્ટ્રીબ્યૂશન, ઈન્શ્યોરન્સ અને ગ્રેજયુટી નક્કી થશે.

આ પ્રસ્તાવનું કેટલાક ટ્રેડ યુનિયનોએ સ્વાગત કર્યું છે. તો, કેટલીક ઈન્ડસ્ટ્રીઝે આ પ્રસ્તાવનો વિરોધ પણ શરૂ કરી દીધો છે. તેમને બીક છે કે તેનાથી તેમના ખિસ્સા પર બોજ પડશે.

(9:59 am IST)