મુખ્ય સમાચાર
News of Friday, 15th June 2018

૨૦૧૭-૧૮માં સરકારી બેન્‍કોએ રૂા. ૧.૪૪ લાખ કરોડની બેડ લોન માંડવાળ કરી

ગયા વર્ષે રૂા. ૮૯,૦૪૮ કરોડની લોન માંડવાળ કરવામાં આવી હતી, ૨૦૧૭માં તેમા ૬૧.૮ ટકાનો વધારો નોંધાયોઃ ૨૦૦૭થી પ્રાઈવેટ અને સરકારી બેન્‍કોએ માંડવાળ કરેલી લોનની રકમ રૂા. ૪,૯૫,૯૧૫ કરોડઃ ૧૨ વર્ષમાં ૪૧૭૫ ટકાનો વધારોઃ ૨૦૦૭માં રૂા. ૧૧,૬૦૦ કરોડની લોન રાઈટ ઓફ કરવામાં આવી હતી : સ્‍ટેટ બેન્‍ક ઓફ ઈન્‍ડીયાએ ૨૦૧૭-૧૮માં રૂા. ૪૦,૨૮૧ કરોડ, પીએનબીએ રૂા. ૭૪૦૭ કરોડ, આઈઓબીએ રૂા. ૧૦૩૦૭ કરોડ, એકસીઝ બેન્‍કે રૂા. ૧૧,૬૮૮ કરોડ અને આઈસીઆઈસીઆઈ બેન્‍કે રૂા. ૯૧૧૦ કરોડની લોન માંડવાળ કરી

નવી દિલ્‍હી, તા. ૧૫ :  સરકાર હસ્‍તકની બેંકો જંગી ખોટના ખાડામાં ઉતરી છે અને આ બેંકો એનપીએના ડુંગર હેઠળ દબાયેલી છે ત્‍યારે આ બેંકોએ માર્ચ ૨૦૧૮ના નાણાકીય વર્ષના અંતે રેકોર્ડબ્રેક રૂા. ૧,૪૪,૦૯૩ કરોડની બેડ લોન ‘રાઈટ ઓફ' એટલે કે માફ કરી હોવાનું જણાવાયુ છે. અગાઉના વર્ષે રૂા. ૮૯૦૪૮ કરોડની લોન રાઈટ ઓફ કરવામાં આવી હતી જેમા આ વર્ષે ૬૧.૮ ટકાનો વધારો થયો હોવાનું રીપોર્ટમાં જણાવાયુ છે.

૩૧ માર્ચ ૨૦૧૮ના અંતે પ્રાઈવેટ અને સરકાર હસ્‍તકની બેન્‍કોએ ૨૦૦૭થી રૂા. ૪,૯૫,૯૧૫ કરોડની લોન માફ કરી છે. જે ૪૧૭૫ ટકાનો વધારો દર્શાવે છે. ૨૦૦૭મા આવી લોન કે જે માફ કરવામાં આવી હતી તે રૂા. ૧૧૬૦૦ કરોડની હતી. રેટીંગ એજન્‍સી આઈસીઆરએ એ પોતાના એક રીપોર્ટમાં જણાવાયુ છે. જાહેર ક્ષેત્રની બેન્‍કોએ ૨૦૧૭-૧૮માં રૂા. ૧,૨૦,૧૬૫ કરોડની લોન માફ કરી છે.

જે લોન ડાઉટફુલ રીકવરી કેટેગરીમા હોય તેની બેન્‍કો સામાન્‍ય રીતે રાઈટ ઓફ કરી દેતી હોય છે. કોર્પોરેશન બેન્‍કના પૂર્વ ચેરમેન અને એમડી પ્રદીપ રામનાથે જણાવ્‍યુ છે કે, આ એક ટેકનીકલ સ્‍વરૂપની બાબત છે. આ એક બુક એડજસ્‍ટમેન્‍ટ પણ કહી શકાય. જ્‍યારે પણ બેડ લોન રાઈટ ઓફ કરી દેવામાં આવે છે તો તે બેન્‍કના ચોપડામાંથી દૂર થઈ જાય છે. બેન્‍કને ટેક્ષના લાભ પણ મળે છે. જો કે લોન માફ કરી દીધા પછી પણ બેન્‍ક રીકવરીના પગલાઓ ભરવાનું ચાલુ જ રાખતી હોય છે.

ગત નાણાકીય વર્ષ જાહેર ક્ષેત્રની બેન્‍કો માટે અત્‍યંત મુશ્‍કેલ ભર્યુ રહ્યુ હતું. સ્‍ટેટ બેન્‍ક ઓફ ઈન્‍ડીયાએ ૨૦૧૭-૧૮માં રૂા. ૪૦,૨૮૧ કરોડની લોનનુ નાહી નાખ્‍યુ હતું. જ્‍યારે કૌભાંડગ્રસ્‍ત પંજાબ નેશનલ બેન્‍કે ૭૪૦૭ કરોડની લોન રાઈટ ઓફ કરી હતી. જ્‍યારે ઈન્‍ડીયન ઓવરસીઝ બેન્‍કે રૂા. ૧૦,૩૦૭ કરોડ માંડવાળ કર્યા હતા. છેલ્લા ૧૨ વર્ષમાં સ્‍ટેટ બેન્‍કે રૂા. ૧,૨૯,૫૮૪ કરોડની લોન માંડવાળ કરી છે. જ્‍યારે બેન્‍ક ઓફ ઈન્‍ડીયાએ રૂા. ૨૮,૯૫૫ કરોડ તો કેનેડા બેન્‍કે રૂા. ૨૬,૬૭૨ કરોડની લોન માંડવાળ કરી છે. ૧૨ વર્ષમાં પંજાબ નેશનલ બેન્‍કે રૂા. ૨૬,૪૩૨ કરોડની લોનનું નાહી નાખ્‍યુ છે.

માર્ચ ૧૮ના અંતે પ્રાઈવેટ બેન્‍કોએ રૂા. ૨૩,૯૨૮ કરોડની લોન માંડવાળ કરી છે. અગાઉના વર્ષે રૂા. ૧૩,૧૧૯ કરોડ માંડવાળ કર્યા હતા. છેલ્લા ૧૨ વર્ષમા પ્રાઈવેટ બેન્‍કોએ રૂા. ૮૦,૫૯૧ કરોડની લોન માંડવાળ કરી છે. માર્ચ ૨૦૧૮ના અંતે એકસીઝ બેન્‍કે રૂા. ૧૧,૬૮૮ કરોડ તો આઈસીઆઈસીઆઈ બેન્‍કે રૂા. ૯૧૧૦ કરોડ માફ કર્યા છે.

બેન્‍કોનું કહેવુ છે કે, માંડવાળ કરેલ લોનની રીકવરી અત્‍યંત ખરાબ હોય છે. જે લોનની રીકવરી થઈ શકતી નથી તેને બેન્‍ક માંડવાળ કરતી હોય છે. લોન લેનારને આ બાબતે જાણ કરવામાં આવતી નથી. જ્‍યારે પણ લોન માંડવાળ કરવામાં આવે તો તે એનપીએમાં ગણવામાં આવતી નથી. જ્‍યારે રીકવરી શરૂ થાય તો તે બેન્‍કના નફામાં ઉમેરાય છે તેમ જાહેર ક્ષેત્રની બેન્‍કના એક સીઈઓએ જણાવ્‍યુ છે.

જો કે જે રીતે લોન માંડવાળ કરવામાં આવે છે તે રીતની ઘણી ટીકા થતી હોય છે. ટેકનીકલ રાઈટ ઓફ જેવુ હોતુ નથી. આ એક બીન પારદર્શી અને કોઈ નીતિ વગરની પ્રક્રિયા હોય છે. સામાન્‍ય રીતે લોકોના નાણા માંડવાળ કરવામાં આવતા હોય છે તેથી ટીકા પણ વ્‍યાજબી હોય છે.

નાણાકીય વર્ષ ૨૦૧૮માં બેન્‍કોનું એનપીએ રૂા. ૧૦.૩ લાખ કરોડ થવા પામ્‍યુ છે જે કુલ લોનના ૧૧.૨ ટકા છે. અગાઉના વર્ષે એનપીએ ૮ લાખ કરોડ હતુ તે લોનના ૯.૫ ટકા હતું. અત્રે એ નોંધનીય છે કે માર્ચ ૨૦૧૮ના અંતે જાહેર ક્ષેત્રની બેન્‍કોની ખોટ રૂા. ૮૭૦૦૦ કરોડ હતી.

(4:14 pm IST)