મુખ્ય સમાચાર
News of Sunday, 15th May 2022

પૂર્વોત્તરમાં ભાજપના પ્રયોગે રેકોર્ડ સર્જ્યો :ચાર રાજ્યોમાં કોંગ્રેસમાંથી આવેલાને સીએમ બનાવ્યા અને છવાઈ ગયા

એન બિરેન સિંહ મણિપુરમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા

નવી દિલ્હી: ત્રિપુરામાં મુખ્યમંત્રી વિપ્લવ દેબે શનિવારે સાંજે અચાનક જ રાજીનામુ ધરીને સૌને ચોંકાવી દીધા હતા.

આ સાથે જ ભાજપ હાઈકમાને સાંજ સુધીમાં ત્રિપુરાના નવા મુખ્યમંત્રીનું નામ પણ જાહેર કરી દીધું હતું. જોકે ભાજપશાસિત રાજ્યોમાં મોટી રાજકીય ઉલટફેરનો આ કોઈ પ્રથમ પ્રયોગ નથી. આ સાથે જ ભાજપે પૂર્વોત્તરમાં વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. પૂર્વોત્તરના 4 રાજ્યોમાં ભાજપે કોંગ્રેસ છોડીને આવેલા નેતાઓને મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડ્યા છે.

આસામઃહિમંતા બિસ્વા સરમા વર્ષ 2021માં આસામના 15મા મુખ્યમંત્રી બન્યા હતા. સર્બાનંદ સોનોવાલના સ્થાને તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ વર્ષ 2015માં કોંગ્રેસથી નારાજ થઈને ભાજપમાં જોડાયા હતા. વર્ષ 2016ની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણીમાં હિમંતા બિસ્વા સરમાએ જોરદાર પ્રચાર અભિયાન છેડેલો જે ભાજપના વિજય પાછળના મહત્વના કારણો પૈકીનું એક માનવામાં આવે છે.

મણિપુરઃએન બિરેન સિંહ મણિપુરમાં 2017ની વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પહેલા 2016માં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. રાજ્યમાં 15 વર્ષ બાદ બિનકોંગ્રેસી સરકાર બની તો ભાજપે એન બિરેન સિંહને મુખ્યમંત્રી બનાવ્યા. તેઓ મણિપુરમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે ભાજપ અને તેના સહયોગિઓના 33 ધારાસભ્યોના સમર્થનથી એસેમ્બલીમાં ફ્લોર ટેસ્ટ જીતીને વજન સાબિત કર્યું હતું.

નાગાલેન્ડઃનેફિયૂ રિયો ચોથી વખત નાગાલેન્ડના મુખ્યમંત્રી બન્યા. તેમના નામે સૌથી વધારે વખત મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ બન્યો છે. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રહી ચુક્યા છે. તેઓ 2002માં કોંગ્રેસમાંથી અલગ થયા હતા. નાગાલેન્ડની સમસ્યા મુદ્દે તત્કાલીન મુખ્યમંત્રી એસસી જમીર સાથેના મતભેદ બાદ તેમણે રાજીનામુ આપી દીધું હતું. ત્યાર બાદ તેઓ નાગા પીપલ્સ ફ્રન્ટ (એનપીએફ)માં જોડાયા હતા. તે સ્થાનિક રાજકીય દળો અને ભાજપ સાથે જોડાયેલી હતી. તેમના નેતૃત્વમાં ડેમોક્રેટિક અલાયન્સ ઓફ નાગાલેન્ડ (ડીએએન)ની રચના થઈ. આ ગઠબંધને 2003માં વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો. સાથે જ કોંગ્રેસને 10 વર્ષ બાદ સત્તામાંથી બહાર કરી. નેફિયૂ રિયો પહેલી વખત નાગાલેન્ડના મુખ્યમંત્રી બન્યા. 2008માં ડીએએન ગઠબંધને સરકાર બનાવી અને રિયો મુખ્યમંત્રી બન્યા. 2013માં નાગાલેન્ડમાં NPFએ બહુમત હાંસલ કર્યું અને રિયો મુખ્યમંત્રી બન્યા. બાદમાં જાન્યુઆરી 2018માં NPFએ ભાજપ સાથેનું ગઠબંધન તોડ્યું અને રિયો નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP)માં સામેલ થયા. 2018માં ચૂંટણી પહેલા તેમણે ભાજપ સાથે ગઠબંધન કર્યું અને ચૂંટણી જીત્યા બાદ ભાજપના સહયોગથી મુખ્યમંત્રી બન્યા.

ત્રિપુરાઃત્રિપુરામાં વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પહેલા ભાજપે વિપ્લવ દેબને હટાવીને ડો. માણિક સાહાને નવા મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી છે. સાહા 2016માં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. ભાજપમાં જોડાયાના 4 વર્ષ બાદ 2020માં તેમને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

   

(11:52 pm IST)