મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

ગુજરાતમાં મોતના આંકડા છુપાવામાં વડાપ્રધાન મોદી અને રાજ્ય સરકારની સાંઠગાંઠ : ચિદમ્બરમ

2020માં 58,068 અને 2021માં 1,23,873 ડેથ સર્ટિફિકેટ ઈસ્ચૂ : રાજ્ય સરકારે 1 માર્ચથી 10મીં મે વચ્ચે કોરોનાથી મરનારા લોકોનો આંકડો માત્ર 4,218 જણાવ્યો

નવી દિલ્હી :દેશમાં કોરોના મહામારી, વૅક્સિનની અછત સહિત અનેક બાબતે કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ અને શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકારની સાથે ગુજરાત સરકાર પર નિશાન સાધ્યું છે

ગુજરાતમાં રાજ્ય સરકાર ભલે કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 4,218 જણાવી રહી હોય, પરંતુ આંકડા દર્શાવે છે કે, આ સંખ્યા લગભગ 65,805ની આસપાસ પહોંચી ચૂકી છે. કોંગ્રેસે કોરોનાથી થયેલા મોતના આંકડા છૂપાવવાનો આરોપ લગાવતા મોદી સરકારને પણ આડેહાથ લીધી છે.

કોંગ્રેસે કહ્યું કે, વડાપ્રધાન મોદી અને ગુજરાત સરકારની સાંઠગાંઠથી મોતના આંકડા છૂપાવવામાં આવી રહ્યાં છે. જેથી રાજ્યમાં કોરોનાથી થયેલા મોતની સાચી જાણકારી દેશ અને દુનિયાને ના મળી શકે

પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમે અને કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાતના અખબારોમાં છપાયેલા રિપોર્ટોનો આધાર આપીને દસ્તાવેજો રજૂ કર્યાં છે. જે મુજબ 1 માર્ચથી 10મીં મેની વચ્ચે ગુજરાતમાં લગભગ 1,23,000 ડેથ સર્ટિફિકેટ ઈસ્યૂ કરવામાં આવ્યાં છે.

ચિદમ્બરમે દાવો ક્યો કે, કોંગ્રેસે રાજ્યના 33 જિલ્લાઓ જેમાં શહેરો પણ સામેલ છે. જેમાં પોતાની રીતે ડેથ સર્ટિફિકેટના આંકડા એકઠા કર્યાં છે. જે મુજબ, 2020માં 58,068 અને 2021માં 1,23,873 ડેથ સર્ટિફિકેટ ઈસ્ચૂ કરવામાં આવ્યા છે.

જ્યારે ગુજરાત સરકાર 1 માર્ચથી 10મીં મે વચ્ચે કોરોનાથી મરનારા લોકોનો આંકડો માત્ર 4,218 જ જણાવી રહી છે. કોંગ્રેસની માંગ છે કે, PM મોદી અને ગુજરાત સરકાર દેશને સાચા આંકડા જણાવે, કારણ કે સાચા આંકડા છૂપાવવા એક ગંભીર ગુનો છે.

(11:32 pm IST)