મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

મમતા બેનરજી સરકાર દ્વારા જાહેરાત

કોરોનાના કેસ વધતા પશ્ચિમ બંગાળમાં ૩૦ મી સુધી લોકડાઉન

કોલકત્તા,તા. ૧પ :  કોરોનાના પગલે પશ્ચિમ બંગાળમાં આવતીકાલે સોમવારે ૧૬ થી ૩૦મીં મે સુધી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જો કે આ દરમિયાન જરૂરી સેવાઓ રાબેતા મુજબ ચાલુ જ રહેશે. ખાનગી ઓફિસો અને સ્કૂલ-કૉલેજ બંધ રાખવામાં આવશે. જ્યારે શાકભાજી, ફળ અને દૂધની દુકાનો સવારે ૭થી ૧૦ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. સરકારના આદેશ મુજબ, રાત્રે ૯થી સવારે ૫ વાગ્યા સુધી લોકોને ઘરની બહાર નીકળવા પર રોક રહેશે.

પશ્ચિમ બંગાળમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. શુક્રવારે એક જ દિવસમાં કોરોનાના ૨૦,૮૪૬ નવા કેસો સામે આવ્યા હતા. જ્યારે ૧૩૬ દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન તમામ પાર્ટીના નેતાઓની રેલીઓમાં એકઠી થઈ રહેલી ભીડની પણ ટીકા કરવામાં આવી હતી. એક તરફ આ નેતાઓ લોકોને માસ્ક પહેલા અને સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરવાના પાઠ ભણાવી રહ્યાં હતા. બીજી તરફ તેમની રેલીઓમાં એકઠી થયેલી ભીડ કોરોના ફેલાવી રહી હતી. હવે ચૂંટણી બાદ કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે સખ્ત પગલા લેવાઈ રહ્યાં છે.

જો દેશમાં કોરોનાના કેસોની વાત કરીએ તો, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, શનિવારે સવારે ૮ વાગ્યા સુધી ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩,૨૬,૦૯૮ નવા કેસો સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ ૩,૮૯૦ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અગાઉ ૧૨મીં મેના રોજ ભારતમાં કોરોના સૌથી વધુ ૪,૨૦૫ લોકોને ભરખી ચૂક્યો હતો. જ્યારે ૭મીં મેના રોજ દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ ૪,૧૪,૧૮૮ કેસો નોંધાયા હતા.

(4:38 pm IST)