મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

આસામમાં ફરી ભૂકંપનો આંચકો : સવારે 8.33 કલાકે 3.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

સોનીતપુર જિલ્લાના તેજપુરથી 41 કિલોમીટર દૂર પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં ભૂકંપ

ગૌહાતી :આસામમાં શનિવારે સવારે ફરી એકવાર ધરતીકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, આંચકોશનિવારે સવારે 8.33 વાગ્યે અનુભવાયો હતો.

આ સમય દરમિયાન તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.9 માપવામાં આવી હતી. એનસીએસ અનુસાર, ભૂકંપ મધ્ય આસામના સોનીતપુર જિલ્લાના તેજપુરથી 41 કિલોમીટર દૂર પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બે  દિવસ પહેલા સોનીતપુરમાં 6.4 ની તીવ્રતાના ભુકંપના આંચકા અનુભવાયા હતા

આસામમાં ભૂકંપના સતત આંચકા અનુભવાઈ રહ્યા છે. અઠવાડિયામાં બે વાર ભૂકંપના આચંકા આવતા હોય જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. શનિવારે સવારે સોનીતપુર વિસ્તારમાં ફરી એકવાર 3.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

આ સપ્તાહમાં આ બીજી વખત આ જ વિસ્તારમાં ભૂકંપથી ધ્રુજી ઉઠ્યો છે. જોકે આ ભૂકંપથી કોઈ નુકસાન થયું નથી. એનસીએસના જણાવ્યા અનુસાર ભૂકંપની ઊંડાઈ 16 કિમી હોવાનું જણાવાયું છે. આસામ તાજેતરના ધરતીકંપના અનેક આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. ગયા મહિને સોનીતપુરમાં એક દિવસમાં 10 જેટલા ભૂકંપ આવ્યા હતા.

 બે દિવસ પહેલા આસામના સોનીતપુર, તેજપુર અને ગૌહાટીમાં જોરદાર આંચકા અનુભવાયા હતા. જોકે આ ભૂકંપનું કેન્દ્ર આસામમાં રહ્યું હોઇ પરંતુ તેના આંચકા ઉત્તર બંગાળ અને આજુબાજુના અન્ય વિસ્તારોમાં પણ અનુભવાયા હતા. આ સમય દરમિયાન રસ્તાઓ પર તિરાડો પડી હતી. ભૂકંપના કારણે ગુવાહાટી અને રાજ્યના અન્ય ભાગોમાં ઘણી ઇમારતોને નુકસાન થયું હતું.

(11:25 am IST)