મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

ગંગા કિનારે ૧૧૦૦ કિમીના વિસ્તારમાં મળ્યા ૨૦૦૦થી વધુ મૃતદેહો

કોરોનાના કારણે ગામડાઓમાં મોતનું તાંડવઃ લાકડાઓની અછત અને અન્ય બાબતોને કારણે લોકો મૃતદેહોને ગંગામાં પ્રવાહીત કરી દેવા મજબૂર : કન્નોજમાં ગંગા કિનારે ૩૫૦થી વધુ મૃતદેહો દફનઃ કાનપુરમાં ગંગા કિનારે અને પાણીમાં ચારેતરફ લાશોઃ કેટલીક જગ્યાએ શ્વાન અને ગીધ-કાગડા મૃતદેહોને નોચી રહ્યા છે

નવી દિલ્હી, તા. ૧૫ :. હાલ ઉત્તર પ્રદેશમાં ગંગા નદીમાં મોટી સંખ્યામાં મૃતદેહો મળી આવતા હોવાનું બહાર આવ્યુ છે. જાણવા મળે છે કે ગામડાઓમાં કોરોનાના કારણે લોકોના મોત થઈ રહ્યા છે અને લાકડાઓની અછત તથા અન્ય વ્યવસ્થા ન હોવાને કારણે લોકો ગંગા નદીમાં જ મૃતદેહો પ્રવાહીત કરવા મજબૂર બની રહ્યા છે. તો બીજી તરફ હવે ગંગા કિનારે રેતીમાં પણ મૃતદેહોને દફન કરવાની વાત સામે આવી રહી છે. આ દરમિયાન એક રીપોર્ટ અનુસાર યુપીના ૨૭ જિલ્લાઓમાં ૧૧૪૦ કિ.મી.ના દાયરામાં ૨૦૦૦થી વધુ મૃતદેહો પાણીની સપાટી પર મળી આવ્યા છે.

રીપોર્ટ અનુસાર કાનપુર, કન્નોજ, ઉન્નનાવ, ગાજીપુર અને બલીયામાં સ્થિતિ અત્યંત ખરાબ છે. કન્નોજમાં ગંગા કિનારે ૩૫૦થી વધુ મૃતદેહો દફન છે તો કાનપુરમાં ગંગા કિનારે અને પાણીમાં ચારેતરફ લાશો જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ તો લાશોને શ્વાન અને કાગડાઓ નોચી રહ્યા છે. રીપોર્ટમાં એવુ પણ કહેવાય છે કે પ્રશાસન આ લાશો પર માટી નાખવાનું કામ કરી રહેલ છે.

જ્યારે વરસાદ થશે તો રેતીમાં દબાયેલા મૃતદેહો બહાર નિકળી આવશે હવે તંત્રએ લોકોને અપીલ કરી છે કે મૃતદેહોને પાણીમાં ન વહાવે અને તેના અગ્નિસંસ્કાર કરે, માઈક દ્વારા આવી અપીલ થઈ રહી છે. પોલીસની ટીમ સતત ગંગા કિનારે પેટ્રોલીંગ કરી રહી છે. એવુ પણ કહેવાય છે કે જો કોઈ ગરીબ દાસંસ્કાર કરી ન શકે તો તેણે તંત્રને જાણ કરવાની રહેશે.

આ રીપોર્ટને લઈને વિપક્ષ ભાજપને ભીંસમાં લેવાનો પ્રયાસ કરી રહેલ છે. લાલુ યાદવે ટવીટ કરીને લખ્યુ છે કે ૨૦૦૦થી વધુ શબ ગંગામાં. એટલી ગરીબી છે કે મૃતકોના પરિવારજનો પાસે મૃતદેહોને બાળવા લાકડા કે કફન ખરીદવાના પૈસા નથી તેથી શબોને ગંગામાં વહાવી દેવાય છે.

સિતારામ યેચુરીએ કહ્યુ છે કે આવા મોત અને પરિવારજનોની મજબૂરી પાછળ કેન્દ્ર અને રાજ્યમા ભાજપની સરકાર જવાબદાર છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સિસોદીયાએ કહ્યુ છે કે આ કોઈ એક ગામ કે શહેરની વાત નથી ૧૧૦૦ કિ.મી. ક્ષેત્રમાં ફેલાયેલા યુપીના મોટા વિસ્તારની વાસ્તવિકતા છે.

(10:29 am IST)