મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

આગામી સપ્તાહે લોંચ થશે DRDOની કોરોના દવા ૨-ડીજી : દર્દીઓ માટે સાબિત થશે સંજીવની

ડીઆરડીઓ તરફથી વિકસિત દવા દર્દીઓને સમય પહેલા જ સાજા થવામાં મદદ કરશે, આ ઉપરાંત ઓકિસજન પર નિર્ભરતા પણ ઓછી કરશે

નવી દિલ્હી,તા.૧૫: કોવિડ-૧૯થી છૂટકારો મેળવવા માટે ડીઆરડીઓ (DRDO) તરફથી વિકસિત કરવામાં આવેલી દવા '૨-ડીજી'ના પ્રથમ ૧૦,૦૦૦ ડોઝની પ્રથમ બેચ આગામે અઠવાડિયે લોંચ થશે. દર્દીઓને આ દવા આપવામાં આવશે. ડીઆરડીઓ અધિકારીઓએ ગઇ કાલે આ જાણકારી આપી હતી. અધિકારીઓએ કહ્યુ કે, ભવિષ્યમાં દવાઓના ઉપયોગ માટે ઉત્પાદનકર્તાઓ દવાનું ઉત્પાદન વધારી રહ્યા છે. આ દવા ડીઆરડીઓના વૈજ્ઞાનિકોની એક ટીમે બનાવી છે, જેમાં અનંત નારાયણ ભટ્ટ પણ શામેલ છે.

નોંધનીય છે કે DCGI તરફથી આઠમી મેના રોજ કોવિડને રોકવા માટે ડીઆરડીઓ તરફથી વિકસિત કરવામાં આવેલી દવાના આપતકાલીન ઉપયોગની છૂટ આપી દીધી હતી. મોંઢાથી લેવામાં આવનારી આ દવા કોરોનાના મધ્યમથી લઈને ગંભીર દર્દીઓની સારવાર માટે સહાયક દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. મેડિકલ પરીક્ષમાં સામે આવ્યું છે કે ર-ડીઓકસી-ડી-ગ્લૂકોઝ (૨-ડીજી) દવા હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ઝડપથી સાજા કરવામાં તેમજ ઓકિસજનની નિર્ભરતા ઓછી કરવામાં મદદ કરે છે.

ર-ડીજી દવા પાઉડર તરીકે પેકેટમાં આવે છે, તેને પાણીમાં ઓગાળીને લેવાની હોય છે. દવાની અસરની વાત કરવામાં આવે તો જે દર્દીઓને આ દવા આપવામાં આવી હતી તેઓ સારવારની એસઓપી કરતા પહેલા જ સાજા થઈ ગયા હતા. ગત વર્ષે કોરોના મહામારીની તૈયારી શરૂ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તૈયારીનું આહવાન કર્યું હતું. આ સમયે ડીઆરડીઓ તરફથી આ પ્રોજેકટ પર કામ શરૂ કરવામાં આવ્યું હતું.

એપ્રિલ ૨૦૨૦માં મહામારીની પ્રથમ લહેર દરમિયાન આઈએનએમએએસ-ડીઆરડીઓના વૈજ્ઞાનિકે હૈદરાબાદ સ્થિતિ સેન્ટર ફોર સોલ્યૂસન એન્ડ મોલિકયૂલ બાયોલોજી સાથે મળીને પ્રયોગશાળામાં પ્રયોગ કર્યો હતો. જેમાં માલુમ પડ્યું હતું કે, અણુ સાર્સ કોવ-૨ વાયરલ વિરુદ્ઘ કારગર છે, અને વાયરલનું સંક્રમણ વધવાથી રોકી શકાય છે.

આ પરિણામ બાદ ડીસીજીઆઈએ મે ૨૦૨૦માં ૨-ડીજી દવાનું કોવિડ-૧૯ના દર્દીઓ પર બીજી તબક્કાના પરીક્ષણ કરવાની મંજૂરી આપી હતી. ઓકટોબર ૨૦૨૦ સુધી બીજા તબક્કાનું પરીક્ષણ થયું હતું. જેમાં માલુમ પડ્યું હતું કે આ દવા સુરક્ષિત હોવાની સાથે સાથે કોવિડ-૧૯ દર્દીઓને ઝડપથી સાજા કરવામાં મદદ પણ કરે છે. બીજા તબક્કાના પ્રથમભાગમાં હોસ્પિટલોમાં અને બીજા તબક્કાના બીજા ભાગ દેશની ૧૧ હોસ્પિટલના ૧૧૦ દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સફળ પરિણામ બાદ ડીસીજીઆઈએ નવેમ્બર, ૨૦૨૦માં ત્રીજા તબક્કાના પરીક્ષણની છૂટ આપી હતી.

ત્રીજા તબક્કાનું મેડિકલ પરીક્ષણ ડિસેમ્બર ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ સુધી દેશભરની ૨૭ હોસ્પિટલના ૨૨૦ દર્દીઓ પર કરવામાં આવ્યું હતું. જેમાં દિલ્હી, ઉત્ત્।ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તામિલનાડુ શામેલ છે.

(10:56 am IST)