મુખ્ય સમાચાર
News of Friday, 15th May 2020

દિલ્હીમાં લોકડાઉનમાં પ દિવસની અંદર બીજી વખત ભૂકંપના હળવા ઝટકા

નવી દિલ્હી: દિલ્હીમાં 5 દિવસની અંદર બીજીવાર ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે. આજે સવારે 11.28 વાગે દિલ્હીમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 માપવામાં આવી. ભૂકંપનું કેન્દ્ર દિલ્હીના પીતમપુરા પાસે હતું અને તેની ઊંડાઈ 8 કિમી હોવાનું કહેવાય છે. જો કે ભૂકંપની તીવ્રતા ખુબ ઓછી છે જેને કારણે નુકસાન થવાની શક્યતા નથી. પરંતુ માત્ર પાંચ દિવસમાં બીજીવાર ભૂકંપના ઝટકા એ ચિંતાનો વિષય છે. આ અગાઉ 10મી મેના રોજ પણ દિલ્હી-એનસીઆરમાં 3.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસૂસ થયા હતાં.

લોકડાઉન દરમિયાન છેલ્લા એક મહિનામાં દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ચોથીવાર આંચકા મહેસૂસ થયા છે. આ અગાઉ 12મી અને 13મી એપ્રિલે પણ દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા હતાં.

સ્કાઈમેટના વાઈસ પ્રેસિડેન્ટ અને હવામાન વૈજ્ઞાનિક મહેશ પલાવતના જણાવ્યાં મુજબ જ્યારે કોઈ રીઝનમાં ભારે તીવ્રતાનો ભૂકંપ આવે  તો તેના થોડા દિવસની અંદર ઓછી તીવ્રતાનો ભૂકંપ આવવાની શક્યતા હોય છે. જેને આફ્ટર શોક પણ કહે છે. આફ્ટર શોકમાં અનુભવવામાં આવતા ભૂકંપના આંચકાની તીવ્રતા અનેકવાર અડધી હોય છે અને તેનાથી વધુ નુકસાન પણ થતુ નથી.

(5:23 pm IST)