મુખ્ય સમાચાર
News of Friday, 15th May 2020

ત્રણ કલાકમાં બંગાળ માટે ટ્રેન ચલાવવાની તૈયારી છે! પણ મમતા છૂટ આપતા નથીઃ પિયુષ ગોયલ

૧૨૦૦ ટ્રેનો શ્રમિકો માટે અનામત, રોજની ૨૫૦ ટ્રેનો દોડાવી શકાય છે

નવી દિલ્હીઃ કોરોનાના કારણે ચાલી રહેલા લોકડાઉનના કારણે લોકો અત્યારે પલાયન કરવા મજબૂર છે. કોઇ પગપાળા સેંકડો કિલોમીટરની મુસાફરી કરે છે તો કોઇ બીજી રીતે ઘરે જવા નીકળી ગયા છે. આ મજૂરો સાથે કેટલીય દુઘર્ટનાઓ પણ થઇ ચૂકી છે. રેલ્વેએ આ મજૂરો માટે ખાસ ટ્રેનોની સવલત પણ કરી છે તેમ છતાં ઘણા રાજયો આ સુવિધાનો લાભ નથી લેતા.

રેલ્વે પ્રધાન પીયુષ ગોયલે કહ્યું કે ૧૨૦૦ ટ્રેનો સંપૂર્ણપણે મજૂરો માટે અનામત કરી દેખાઇ છે. રોજની ૨૫૦ ટ્રેનો ચલાવી શકાય તેમ છે. તેમણે કહ્યું કે રાજય સરકારો જે મોટી મોટી વાતો કરતી હતી, સેંકડો પત્રો આવતા હતા કે ટ્રેનો ચલાવો. હવે તે જ રાજયો ખાસ ટ્રેનની સુવિધા લેવાની ના પાડે છે. તેમણે કહ્યું કે મુંબઇથી પશ્ચિમ બંગાળને ૬મે થી રોજ પત્રો લખાય છે કે અમારે પશ્ચિમ બંગાળમાં ટ્રેનો અલગ અલગ જગ્યાએ મોકલવી છે. આવી ૧૭ વિનંતીઓ પશ્ચિમ બંગાળને મોકલાઇ છે. આમ તો ૧૦૦ ટ્રેનોની રીકવેસ્ટ છે પણ તેઓ કહે છે મોકલવી કેવી રીતે જયારે પહેલાની ૧૭ રીકવેસ્ટો જ મંજૂર નથી થઇ.

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર હુમલો કરતા રેલ્વે પ્રધાને કહ્યું કે પશ્ચિમ બંગાળના લાખો પ્રવાસી મજૂરો દેશના વિવિધ રાજયોમાં મજૂરી કરે છે. તેઓ ઘેર પાછા જવા માંગે છે. તેમના માટે અમે ત્રણ કલાક ટ્રેનનું આયોજન કરી આપશું. તેમણે કહ્યું કે દેશમાં ૮ હજાર રેલ્વે સ્ટેશન છે તેમાંથી મમતા કહે તે સ્ટેશનેથી ટ્રેન ચલાવીશું. તેમણે કહ્યું કે ૮ તારીખે રાત્રે જયારે ગૃહપ્રધાને પત્ર લખ્યો અને ૯ તારીખે સવારે તે પત્ર દેશભરમાં જાહેર થયો ત્યાં સુધીમાં પશ્ચિમ બંગાળ તરફથી ફકત બે ટ્રેનને મંજૂરી મળી હતી. તે દિવસે બપોરે અમને સંદેશ મળ્યો કે અમે ૮ વધુ ટ્રેનો સ્વીકારશું. પણ છેવટે બંગાળે ફકત પાંચ ટ્રેનો જ સ્વીકારી. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ જવા ઇચ્છતા લોકો લગભગ ૫૦ લાખ છે. જો બંગાળ માટે રોજ ૧૦૦ ટ્રેનો ચાલે તો તેમને સુરક્ષિત પહોંચાડી શકાશે. નહીંતર તેમણે પગપાળા અથવા ટ્રકોમાં જવા મજબૂર થવું પડશે.

(3:41 pm IST)