મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

મોદી વિશેના પ્રશ્ન પર મણિશંકર પત્રકાર પર ભડકયા

મણિશંકરે લાફો મારવા માટે હાથ પણ ઉગામ્યો

શિમલા તા. ૧૫ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યર વડાપ્રધાન મોદી વિશે કરેલા નિવેદનના પુનર્રોચાર બાદ હવે ફરીથી વિવાદમાં સપડાયા છે. મંગળવારે મણિશંકર ઐય્યરને એક પત્રકારે મોદી વિશે પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે પોતાના મગજ પરનું સંતુલન ગુમાવી દીધું હતું અને પત્રકાર પર તાડુકયા હતા. તેમણે પ્રશ્ન પૂછનારા પત્રકારને મુક્કો બતાવતા કહ્યું કે, 'હું તને મારી દઈશ.'

૨૦૧૭ના ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન મણિશંકર ઐય્યરે નરેન્દ્ર મોદીને 'નીચ વ્યકિત' કહીને સંબોધ્યા હતા. ૧૪મી મેએ ઐય્યરે ફરી આ નિવેદનને ટાંકીને જણાવ્યું કે તેઓ અગાઉના નિવેદન પર મક્કમ છે. હવે આ મુદ્દે ચર્ચા કરવાની મારી કોઈ ઈચ્છા નથી.

પત્રકારના પ્રશ્નના જવાબમાં ઐય્યરે જણાવ્યું હતું કે 'ભારતમાં એક જ વ્યકિત છે, તેમના તીખા પ્રહારો તમે નથી જોયા, તેમને પ્રશ્ન પૂછો. તે તમારી સાથે એટલા માટે વાત નથી કરતા કારણ કે તે ડરપોક છે.' ત્યારબાદ ઐય્યરે પત્રકારને હવે એકપણ પ્રશ્ન નહીં પૂછવા જણાવ્યું. પત્રકારે જયારે તેમને નારાજ નહીં થવાનું કહ્યું તો જતા જતા તેમણે પત્રકારને અપશબ્દો પણ કહ્યા હતા.

અગાઉ ઐય્યરે એક અખબારના આર્ટીકલમાં જણાવ્યું હતું કે, '૨૧૦૭ના સાતમી ડિસેમ્બરે મેં કહ્યું હતું કે મોદી અત્યાર સુધીના સૌથી વધુ જૂઠ્ઠું બોલાનારા વડાપ્રધાન છે. શું હું ખરો જયોતિષ નથી?' મોદીએ એરસ્ટ્રાઈક વખતે વાદળો હોવાથી રડાર પકડી નહીં શકે તેવા નિવેદનો કરીને વાયુસેનાનું અપમાન કર્યું છે. રડાર એ કોઈ ટેલિસ્કોપ નથી જે વાદળોને પાર જોઈ ના શકે. શું મોદી વાયુસેનાના અધિકારીઓને મૂર્ખ ગણે છે કે તેમણે આવો અવૈજ્ઞાનિક તર્ક રજૂ કર્યો તેમ ઐય્યરે ઉમેર્યું હતું.

(3:37 pm IST)