મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

સરકાર નવો નિયમ લાગુ કરવા વિચારે છે

ટ્રાફિકના નિયમોનો ભંગ કરશો તો વધશે વાહનનું પ્રીમીયમ

જો નિયમ મૂજબ ચાલ્યા હો અકસ્માત કર્યો ન હોય તો પ્રીમીયમ ઘટશે પણ ખરૂ

નવી દિલ્હી તા. ૧પ :.. જો તમે વાહન ચલાવતી વખતે ટ્રાફીકના નિયમોનો ભંગ કરતા હો તો સાવધ થઇ જાવ. ટ્રાફીક નિયમોને નજર અંદાઝ કરીને ડ્રાઇવીંગ કરશો તો તેના બદલામાં તમારે વધારે પ્રીમીયમ ચુકાવવું પડશે. આ ઉપરાંત જો તમે ટ્રાફીક નિયમોનું યોગ્ય રીતે પાલન કરશો તો તમને ઘણો ફાયદો પણ થશે.

માહિતી અનુસાર, સરકાર આ દિશામાં બહુ ઝડપભેર કામ કરી રહી છે અને આ નિયમ અમલી બનાવવાની યોજના બનાવી રહી છે. જેના અનુસાર, ટ્રાફીક નિયમોનો ભંગ કરનારના વાહનોનું પ્રીમીયમ વધારી દેવાશે. આ ઉપરાંત જો તમે પાછલા પાંચ વર્ષેમાં કોઇપણ ટ્રાફીક નિયમનો ભંગ નહીં કર્યો હોય અથવા કોઇ પ્રકારનો એકસીડન્ટ નહીં કર્યો હોય તો તમારા વાહનનું પ્રીમીયમ ઘટી પણ શકે છે.

આ નવો નિયમ અમલી બન્યા પછી, વિમાના પ્રીમીયમની રકમ વાહન ચાલક ટ્રાફીકના નિયમોનું પાલન કેટલું કરે છે તેના આધારે નકકી થશે. મંત્રાલય આ બાબતે ઇરડા સાથે કરાર કરશે. આના માટે એક ખાસ પ્રકારનું સોફટવેર બનાવવામાં આવશે જે ટ્રાફીક પોલીસ અને વિમા કંપનીઓને એક સાથે જોડશે.

આ સોફટવેરની મદદથી ટ્રાફીક પોલીસ તમારા વાહન દ્વારા તોડવામાં આવેલ નિયમો ઉમેરતી જશે. જેનો બધો ડેટા વિમા કંપનીઓને પણ મળશે. જેના આધારે વાહનના વિમાના પ્રીમીયમની રકમ નકકી કરવામાં આવશે. જો કે હજી આ નિયમ બાબતે સરકાર તરફથી કોઇ જાહેરાત નથી કરાઇ, આ નિયમ પાછળ સરકારની એવી ઇચ્છા છે કે ટ્રાફીક નિયમો પ્રત્યે લોકો જાગૃત થાય અને એકસીડન્ટ પર લગામ મુકી શકાય.

 

(10:57 am IST)