મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

તમામ મહામિલાવટી લોકોના સમાજના વિભાજનના પ્રયાસો

બિહાર-ઉત્તરપ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઝંઝાવતી પ્રચાર : સર્જિકલ સ્ટ્રાઇક અને એરસ્ટ્રાઇક વેળા મહામિલાવટીઓ લાશો માંગે છે જેથી લોકોમાં નારાજગી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ધડાકો

બક્સર, તા. ૧૪ : લોકસભાની ચૂંટણીના છ તબક્કા પૂર્ણ થઇ ગયા છે ત્યારે હવે સાતમાં અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ તમામ તાકાત લગાવી દીધી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરતા નજરે પડ્યા હતા. મોદીએ કહ્યું હતું કે, તેમને ગાળો આપવા માટેની એક પ્રકારની સ્પર્ધા ચાલી રહી છે. મોદીએ ઉમેર્યું હતું કે, વિરોધ પક્ષોને માહિતી છે કે, તેમની જીત કોઇ કિંમતે શક્ય નથી જેથી તેમનો ગુસ્સો હવે આસમાન ઉપર છે. મોદીને ગાળો આપીને પોતાની ભડાસ કાઢી રહ્યા છે. મોદીએ ઉમેર્યું હતું કે, લોકોના ઉત્સાહ અને સમર્થનના પરિણામ સ્વરુપે જ છ તબક્કા બાદ વિરોધી દળોની હાલત કફોડી બની ગઈ છે જેથી મોદીને ગાળો આપવા માટે સ્પર્ધા કરી રહ્યા છે. નેતાઓનો ગુસ્સો આસમાન ઉપર છે. તેઓ જીતવાની સ્થિતિમાં નથી. ગાળો આપીને  નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. વિરોધ પક્ષો કેન્દ્રમાં મજબૂર અને કમજોર ખિચડી સરકાર બનાવવાની ઇચ્છા ધરાવતા હતા. વિચારી રહ્યા હતા કે, કમજોર સરકાર આવશે તો સરકારને બ્લેકમેઇલ કરીને તેમને જનતાના પૈસા લુટવા માટે લાયસન્સ મળી જશે પરંતુ ચોકીદારે તેમના ઇરાદા ઉપર પાણી ફેરવી દીધા છે. વિપક્ષી ગઠબંધન ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, આ લોકો પણ ગરીબીમાંથી નિકળ્યા છે પરંતુ ગરીબોને લૂંટીને પોતાના મોટા મોટા બંગલાઓ બનાવી રહ્યા છે. લાખોની ગાડીઓ ખરીદી રહ્યા છે. અબજોની સંપત્તિ બનાવી ચુક્યા છે. મોદીએ પોતાની વાત કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા. છેલ્લા પાંચ વર્ષથી દેશના વડાપ્રધાન તરીકે પણ રહ્યા છે પરંતુ ક્યારે પણ પોતાના માટે અને પોતાના સગા સંબંધીઓ માટે જીવ્યા નથી. ૧૩૦ કરોડ દેશવાસીઓ તેમના પરિવાર તરીકે છે. મોદીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભારતનાટુકડે ટુકડે કરવાની ઇચ્છા ધરાવનાર, પથ્થરબાજોને તેમના સમર્થકો લાયસન્સ આપવા માટે ઇચ્છુક છે. મહામિલાવટી લોકો દેશની સુરક્ષા અને અખંડતાને દાવ પર લગાવવા માટે ઇચ્છુક છે. તેમને રોકવાની તમામની જવાબદારી છે. અમે એકબાજુ આતંકવાદીઓ અને નક્સલવાદીઓની સફાઈ કરી રહ્યા છે. દેશની અંદર અને બહાર પણ ત્રાસવાદીનો સફાયો કરવામાં આમે લાગેલા છે. જ્યારે બીજી બાજુ મહામિલાવટના લોકો ત્રાસવાદીઓને બચાવવામાં લાગેલા છે. ૨૦૧૪થી પહેલા દેશમાં ત્રાસવાદીઓની વિનાશ લીલા ચાલતી હતી પરંતુ તેમની સરકાર આવ્યા બાદ સુરક્ષા જવાનોને કાર્યવાહી કરવા પુરતી છુટ આપી દેવામાં આવી છે. બક્સર ઉપરાંત સાસારામમાં પણ ચૂંટણી સભા યોજી હતી. બિહાર અને ઉત્તરપ્રદેશમાં મોદીએ ઝંઝાવતી પ્રચાર કર્યા હતા. સર્જીકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકની વાત કરતા તેમણે કહ્યું હતું કે, જ્યારે અમારા સપૂત સર્જિકલ સ્ટ્રાઇક કરે છે અને એર સ્ટ્રાઇક કરે છે ત્યારે વિરોધ પક્ષોના લોકો ત્રાસવાદીઓની લાશો માંગે છે. આજ કારણસર દેશના લોકો ખુબ નાખુશ દેખાઈ રહ્યા છે. બિહારના સાસારામમાં મોદીએ આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા ઉપર વાત કરી હતી. વર્ષો સુધી આતંકવાદ સામે મહામિલાવટી લોકોએ શરણાગતિ સ્વીકારી હતી. પાકિસ્તાનને ક્યારે પણ જવાબ આપી શક્યા ન હતા જેથી દેશની પ્રજાએ તેમને કાન પકડીને બહાર કરી દીધા છે. લાલૂની પાર્ટી ઉપર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, અમે બિહારને ફાનસના યુગમાંથી બહાર લગાવીને એલઇડીની દુનિયામાં લાવી ચુક્યા છે. બિહારને ફરી ફાનસના યુગમાં લઇ જવાના પ્રયાસ થઇ રહ્યા છે જે સફળ થવા જોઇએ નહીં.

(12:00 am IST)