નવજોતસિંહ સિદ્ધૂને પંજાબમાં પ્રચાર ન કરવા માટેની સૂચના મળી
પંજાબના મુખ્યમંત્રીએ નવજોતસિંહ સિદ્ધૂને સ્પષ્ટ આદેશ આપ્યો : ભારે વિવાદના ઘેરામાં રહેલા નવજોતસિંહ સિદ્ધૂને અટકાવી દેવાયા

અમૃતસર, તા. ૧૪ : કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પંજાબના કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિદ્ધૂએ પોતાના ગૃહરાજ્યમાં પ્રચાર નહીં કરવાનો નિર્ણય કર્યો છે. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દસિંહે સિદ્ધૂને પ્રચાર ન કરવા માટે સૂચના આપી છે. તેમના પત્નિ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય નવજોત કૌરે આજે આ અંગેની માહિતી આપી હતી. એવા અહેવાલ આવી રહ્યા હતા કે, નવજોતસિંહ સિદ્ધૂની તબિયત સારી નથી પરંતુ તેમના પત્નિએ કહ્યું છે કે, પંજાબમાં પ્રચાર કરવા અમરિન્દરસિંહે તેમને મંજુરી આપી નથી. પંજાબમાં પ્રચાર કરવાની મંજુરી નહીં આપવા પાછળ પાર્ટીના પંજાબના પ્રભારી આશા કુમારીને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. નવજોત કૌરે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું છે કે, અમરિન્દર નાના કેપ્ટન છે જ્યારે રાહુલ ગાંધી મોટા કેપ્ટન છે. મોટા કેપ્ટને સિદ્ધૂને અન્ય રાજ્યોમાં જવાબદારી સોંપી હતી પરંતુ પંજાબના મુખ્યમંત્રીએ ૧૩ સીટોની ચૂંટણીમાં પાર્ટીની જીતની ખાતરી કરવા મંજુરી આપી નથી. આવી સ્થિતિમાં ચૂંટણી પ્રચાર માટે નવજોતને તક અપાઇ નથી. સિદ્ધૂએ પટણા સાહેબમાં શત્રુઘ્નના સમર્થનમાં રેલી યોજી હતી.