મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

પ્રિયંકા ગાંધી મધ્યપ્રદેશમાં સાડા ત્રણ ફૂટની બેરિકેટ કુદીને લોકો વચ્ચે પહોંચી ગયા

નવી દિલ્હીઃ સોમવારે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા મધ્યપ્રદેશના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે રતલામ, ઉજ્જૈન અને ઈન્દોરમાં ચૂંટણી રેલીઓ સંબોધી હતી. રતલામમાં જાહેર સભાને સંબોધિત કરતાં પ્રિયંકા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, "કેન્દ્ર સરકારમાં અહંકાર ઘણો વધી ગયો છે. કેન્દ્ર સરકાર માત્ર વાતો જ કરે છે, કામ નહીં." આ રેલીમાં પ્રિયંકાની સાથે મુખ્યમંત્રી કમલનાથ, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ, મંત્રી સજ્જન વર્મા, જીતુ પટવારી સહિત અનેક નેતા હાજર હતા.

પ્રિયંકા ગાંધીના સ્વાગત માટે ઈન્દોર, રતલામ અને ઉજ્જૈન સહિત અનેક સ્થળોએ સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરાઈ હતી. ઠેર-ઠેર બેરિકેડ્સ લગાવાયા હતા. જોકે, આ દરમિયાન પ્રિયંકાનું એક અલગ જ સ્વરૂપ જોવા મળ્યું. પ્રિયંકા ગાંધી મધ્યપ્રદેશના રતલામમાં પાર્ટીના પ્રચાર માટે ગયા હતા, અહીં તેમને એક ઝલક જોવા માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જનતાનો આટલો બધો પ્રેમ જોઈને પ્રિયંકા ગાંધી અચાનક જ તેમને મળવા માટે સાડા ત્રણ ફૂટ ઊંચા બેરિકેડ્ પર ચઢીને બીજી તરફ કૂદકો મારી સીધા જ પ્રજાની વચ્ચે પહોંચી ગયા હતા.

સોશિયલ મીડિયામાં પ્રિયંકાનો આ વીડિયો જોરદાર વાયરલ થયો છે. જે રીતે તેઓ બેરિકેડ્સ કૂદીને બીજી તરફ પ્રજાની વચ્ચે પહોંચ્યા હતા, તેને કારણે દરેક લોકો તેમના આ ઉત્સાહના વખાણ કરી રહ્યા છે. જોકે, કેટલાક ટ્રોલર્સ તેમનો મજાક પણ ઉડાવી રહ્યા છે.

મધ્યપ્રદેશમાં લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કામાં 19મેના રોજ ઉજ્જૈન, ઈન્દોર, ધાર, મંદસોર, રતલામ, ખરગોન, દેવાસ અને ખંડવા લોકસભા બેઠક પર ચૂંટણી યોજાવાની છે. અંતિમ તબક્કામાં યોજાનારા મતદાનમાં માલવા-નિમાડની 8 બેઠક પર મતદાન થશે.

(4:51 pm IST)