મુખ્ય સમાચાર
News of Thursday, 15th April 2021

કોરોનાના વધતા પ્રકોપને પગલે ફરીથી તાજમહેલ અને લાલકિલ્લા સહિતની ઐતિહાસિક ઇમારતો બંધ રખાશે

સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયનાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા સંરક્ષિત તમામ સ્મારકોને આગામી 15 મે સુધી બંધ રાખવા નિર્ણય

નવી દિલ્હી : દેશમાં કોરોનાનો પ્રકોપ વધ્યો છે વિવિધ રાજ્યોની સરકારો પણ પ્રતિબંધો લગાવવા માટે મજબુર બની છે. હવે કોરોનાનાં વધી રહેલા પ્રકોપને જોતા સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયનાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા સંરક્ષિત તમામ સ્મારકોને આગામી 15 મે સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન વિભાગનાં મંત્રી પ્રહલાદ સિંહ પટેલે એક ટ્વીટ કરીને કહ્યું કે કોરોના રોગચાળાનાં વર્તમાન પ્રકોપને જોતા સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયનાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા સંરક્ષિત તમામ સ્મારકોને આગામી 15 મે સુધી બંધ રાખવામાં આવશે.

કોરોના કેસ દેશભરમાં તીવ્ર ગતિએ વધી રહ્યા છે, જેનાથી સરકારની ચિંતા વધી છે. બુધવારે દેશમાં કોરોના વાયરસના આશરે બે લાખ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ મૃત્યુના કિસ્સાઓમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર ચાલું મહિનામાં એટલે કે, એપ્રિલ મહિનામાં કોરોનાના કેસોની સંખ્યા પ્રતિદિવસ પાંચ લાખ સુધી જઈ શકે છે. તો દિવસના ત્રણ હજાર લોકોના મૃત્યું થઈ શકે છે

(11:20 pm IST)