મુખ્ય સમાચાર
News of Thursday, 15th April 2021

મધ્યપ્રદેશની શિવપુરી જીલ્લા હોસ્પિટલમાં વોર્ડ બોયઍ ઓક્સિજનની નળી કાઢી લેતા દર્દીનું મોતઃ સીસીટીવી ફુટેજના આધારે તપાસ

ભોપાલ: મધ્ય પ્રદેશમાં કોરોનાનો ભયંકર પ્રકોપ છે. અહીં અનેક હોસ્પિટલોમાંથી માણસાઈને શર્મસાર કરતા ખબર સામે આવી રહ્યા છે. હાલમાં જ શિવપુરી જિલ્લા હોસ્પિટલમાં એક કોરોના દર્દીનું ઓક્સિજનની કમી થવાના કારણે તરફડ્યા મારીને મોત નિપજ્યું. મૃતકના પરિજનોએ આ આરોપ લગાવ્યો છે.

જો કે હોસ્પિટલ પ્રશાસનનું કહેવું છે કે દર્દીની હાલત પહેલેથી ખરાબ હતી પરંતુ હોસ્પટિલના સીસીટીવી ફૂટેજમાં તેમનું આ જુઠ્ઠાણું પકડાઈ ગયું અને સચ્ચાઈ સામે આવી ગઈ. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે રાતે 11 વાગે સુરેન્દ્ર પોતાના પુત્ર સાથે વાત કરી રહ્યા છે. ત્યારબાદ દીપક જતો રહે છે અને સુરેન્દ્ર સૂઈ જાય છે. થોડીવાર બાદ વોર્ડ બોય રૂમમાં આવે છે અને સુરેન્દ્રના બેડ પાસેથી પોર્ટેબલ ઓક્સિજન કન્સટ્રેટર કાઢીને લઈ જાય છે. ત્યારબાદ સવારે પાંચ વાગે  દર્દીનું તરફડ્યા મારતા મોત નિપજે છે ઓક્સિજનની કમીના કારણે દર્દીનું મોત થઈ ગયું.

દર્દીના પુત્ર દીપકે આરોપ લગાવ્યો કે હોસ્પિટલમાં કોઈએ મારા પિતાને ઓક્સિજન આપ્યો નહીં. સવારે જ્યારે દીપક વોર્ડમાં પહોંચ્યો તો પિતાને પલંગ પર તરફતા જોયા.  દીપકના જણાવ્યાં મુજબ પિતાને સ્ટ્રેચર ન મળ્યું તો તે પિતાને પીઠ પર લાદીને આઈસીયુમાં લઈ ગયો પરંતુ થોડીવારમાં જ દર્દીનું મોત નિપજ્યું.

આ મામલો સામે આવ્યા બાદ CMHO અર્જૂન લાલ શર્માએ કહ્યું કે મૃતક ડાયાલિસિસ પર હતો અને તેનુ હિમોગ્લોબીન ઓછું થઈ ગયું હતું. અમે સીસીટીવી ફૂટેજ ચેક કરીશું અને આ મામલે પરિવારના આરોપ પર તપાસ કરાવીશું.

(4:28 pm IST)