મુખ્ય સમાચાર
News of Thursday, 15th April 2021

ટોચના વાયરોલોજિસ્ટ શું કહે છે ?

કોરોનાની બીજી લહેર મેના અંત સુધી ચાલુ રહેશે : શું રોજ આવશે ૩ લાખ કેસ ?

નવી દિલ્હી તા. ૧૫ : ટોચના વાયરોલોજિસ્ટના મત પ્રમાણે, દેશમાં કોરોનાની બીજી લહેર હજી આગામી કેટલાક સમય સુધી શાંત નહીં પડે.

ઉલ્લેખનીય છે કે, વાયરોલોજિસ્ટ ડો.શાહીદ જમીલે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, દરરોજ નોંધાતા કોરોનાના કેસના આંકડો ૩ લાખ સુધી પણ પહોંચી શકે છે.તો આ મહામારી મે મહિના સુધી આવી જ સ્થિતિમાં રહી શકે છે.

નવા કેસોની સંખ્યા જે ગતિએ વધી રહી છે તે ખરેખર ડરામણી છે. જો આપણે એકિટવ કેસ ગ્રોથ તરફ નજર દોડાવીએ તો આ લગભગ દરરોજ ૭ ટકાના દરથી આગળ વધી રહી છે. આ ટકાવારી ઘણી વધારે છે. જો આ જ ગતિએ કેસો વધતા રહ્યાં તો આપણે રોજના ૩ લાખ કેસોની તૈયારી રાખવી પડશે.

આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકોએ પણ કોરોનાની બીજી લહેર પર એક આગાહી કરી છે. તેમણે કહ્યું કે ૧૫ એપ્રિલથી ૨૦ એપ્રિલની વચ્ચે મહામારીના વળતા પાણી થવાની શકયતા છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આગામી બે અઠવાડિયામાં કોવિડ-૧૯ ની બીજી લહેરમાં ઘટાડો આવી શકે છે.

ભારતમાં બુધવારે એક જ દિવસમાં લગભગ ૨ લાખ નવા પોઝિટિવ કેસ આવ્યા છે. મોતમાં પણ સતત વધારો થતા નવા રેકોર્ડ બની રહ્યા છે. આ આંકડા સતત ડરાવે તેવા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે દેશમાં બુધવારનો એક દિવસનો સંક્રમણનો આંક ૧૯૯,૫૬૯ રહ્યો હતો.  તો સાથે જ આ ૨૪ કલાકમાં ૧૦૩૭ લોકોના મોત પણ નીપજયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને  ૧૪૦૭૦૩૦૦ થઈ છે. કોરોનાથી પીડિત લોકોને સાજા કરવાનો દર સતત ઘટી રહ્યો છે. હાલમાં રિકવરી રેટ ૮૯.૫૧ થયો છે.

દેશમાં મહામારીથી મૃત્યુ પામનારા દર્દીની કુલ સંખ્યા ૧,૭૩,૧૫૨ થઈ છે. ઉપચારાધીન લોકોની સંખ્યા સતત વધી છે અને તેનો આંક ૧૩૬૫૭૦૪ થયો છે. સંક્રમણના કુલ કેસનો રેટ ૯.૨૪ ટકા રહ્યો છે. અત્યાર સુધી કોરોનાના કુલ ૧૨૪૨૬૧૪૬ દર્દીઓ સાજા થયા છે. કોરોનાનો મૃત્યુ દર ૧.૨૪ ટકાનો છે. દેશમાં એકિટવ કેસની સંખ્યા ૧૪૬૫૮૭૭ની છે. સતત ૩૬માં દિવસે પણ કોરોનાના આંકમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર અનેક પ્રકારની પાબંધી લગાવી રહી છે પણ આ આંક સતત વધતો જઈ રહ્યો છે. તો સવાલ એ છે કે  શું લોકડાઉન જ એક વિકલ્પ બચ્યો છે.

(10:40 am IST)