મુખ્ય સમાચાર
News of Thursday, 15th April 2021

એપ્રિલ હજુ ધ્રુજાવશે...પીકચર અભી બાકી હૈ...ઈન્ડીયા ટુડેનો સનસનીખેજ રીપોર્ટ

હે ભગવાન...દૈનિક ૫ લાખ કેસ નોંધાશેઃ ૩૦૦૦ના મોત થશે

એપ્રિલ મહિનો હજુ ભયાનક સ્વરૂપ પકડશેઃ રોજ ૨૫૦૦૦થી વધુ લોકો હોસ્પીટલમાં દાખલ થશેઃ આવતા ચાર સપ્તાહ ભારત માટે કટોકટી ભર્યાઃ તે પછી કેસ ઘટવા લાગશે

નવી દિલ્હી, તા. ૧૫ :. કોરોના વાયરસનો કહેર ભારતમાં પોતાના પીક (શિખર) ભણી આગળ વધી રહ્યો છે. જેને કારણે દેશમાં પહેલીવાર લહેર કરતા પણ વધુ ભયનો માહોલ બની ગયો છે. કોરોનાના વધતા કેસ વચ્ચે ચારેતરફ ઓકિસજન, બેડ, ઈન્જેકશન અને દવાઓની અછત જોવા મળી રહી છે. ભારતમાં કોરોનાનો દૈનિક આંકડો ૨ લાખના આંકડાને સ્પર્શ કરી ચૂકયો છે અને બીજી લહેર કેટલી વિકરાળ છે તેની ઝલક પણ જોવા મળી રહી છે. આ જ કારણ છે કે ચારેતરફ મોતનંુ તાંડવ મચી રહ્યુ છે અને સ્મશાનોમાં લાઈનો લાગી છે એટલુ નહિ લાકડાઓની પણ અછત જોવા મળી રહી છે, પરંતુ આપણે આ કપરા સમયમાં પણ મજબુતાઈથી કામ લેવાનુ અને કોરોના વિરૂદ્ધ મુકાબલો કરવાનો છે કારણ કે આ મહિનો હજુ પણ ખરાબ દિવસો બતાડવાનો છે. એપ્રિલમાં જ કોરોનાના દૈનિક કેસ ૫ લાખ પર જઈ શકે છે એટલુ જ નહિ ૩૦૦૦થી વધુ મોત પણ નોંધાઈ શકે છે.

ઈન્ડીયા ટુડેના રીપોર્ટ અનુસાર કોરોનાના કેસ જે સ્પીડથી આગળ વધી રહ્યા છે અને દેશના દરેક ખૂણેથી જે રીપોર્ટ આવી રહ્યા છે તે જોતા તેવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે એપ્રિલનો આ મહિનો સૌથી વધુ ભયાનક સાબિત થવાનો છે. ઈન્ડીયા ટુડેએ પોતાના એક શોમાં જે મોડેલથી આ ભવિષ્યવાણી કરી છે તે અનુસાર એપ્રિલ એટલે કે આ મહિને રોજ ૫ લાખ સુધીના કોરોના કેસ આવી શકે છે અને રોજ લગભગ ૩૦૦૦ થી ૪૦૦૦ લોકોના મોત પણ થઈ શકે છે. એટલુ જ નહિ રોજ લગભગ ૨૫૦૦૦ લોકો હોસ્પીટલમાં દાખલ થઈ શકે છે. જેમાં અનુમાન વ્યકત કરવામાં આવ્યુ છે કે આવતા ચાર સપ્તાહ ભારત માટે ઘણા મુશ્કેલભર્યા સાબિત થવાના છે.

આમ તો સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરનો ખતરનાક કહેર જોવા મળી રહ્યો છે પરંતુ સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ મહારાષ્ટ્રની છે ત્યાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યુ છે તેથી ૧૫ દિવસનું મીની લોકડાઉન લાદવામાં આવ્યુ છે. ત્યાં હજુ સમયસર કોરોના કાબુમાં નહિ આવે તો હજુ ભયાનક દિવસો જોવા મળશે.

જો કે રાહતની વાત એ છે કે જે રીતે સાઉથ આફ્રિકા, બ્રિટન અને અમેરિકામાં કોરોના વાયરસની બીજી લહેરમાં સ્પીડ જોવા મળી હતી એ જ ગતિથી કોરોના કેસ ઘટવા પણ લાગ્યા હતા. જે મોડેલને લઈને ઈન્ડીયા ટુડેએ અનુમાન દર્શાવ્યુ છે તે અનુસાર મહારાષ્ટ્રમાં પણ એપ્રિલના અંત અને મેની શરૂઆત સુધી કેસમાં ઘટાડો થઈ શકે છે.

(10:32 am IST)