મુખ્ય સમાચાર
News of Thursday, 15th April 2021

કોરોના બેકાબુઃ ૧ દિ'માં ૨૦૦૭૩૯ કેસઃ ૧૦૩૮ લોકોના મોત

કોરોના વાયરસની બીજી લહેર રોજ નવા રેકોર્ડ નોંધાવી રહી છેઃ દેશમાં કોરોનાના કુલ કેસ વધીને ૧,૪૦,૭૪,૫૬૪: કુલ મૃત્યુઆંક ૧,૭૩,૧૨૩ : હાલ ૧૪ લાખથી વધુ લોકો સારવાર લઈ રહ્યા છેઃ સતત ૧૧મા દિવસે કોરોનાના કેસ ૧ લાખથી વધુ નોંધાયાઃ લોકડાઉન એક જ વિકલ્પ ?

નવી દિલ્હી, તા. ૧૫ :. દેશમાં કોરોના વાયરસ રોજેરોજ નવા નવા રેકોર્ડ તોડી રહ્યુ છે. છેલ્લા ૨૪ કલાકમાં નવો રેકોર્ડ નોંધાયો છે. ૨ લાખથી વધુ કેસ નોંધાયા છે અને સતત બીજા દિવસે ૧૦૦૦થી વધુ લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૦૦૭૩૯ નવા કેસ નોંધાયા છે અને આ દરમિયાન ૧૦૩૮ લોકોના મોત થયા છે. આ આંકડા સાથે જ દેશમાં કુલ કેસની સંખ્યા વધીને ૧૪૦૭૪૫૬૪ થઈ ગઈ છે. આ સાથે કોરોનાથી મરનારાઓનો આંકડો ૧૭૩૧૨૩નો થયો છે.

છેલ્લા ૧૧ દિવસમાં દેશમાં નવા કેસનો આંકડો ૧૦મી વખત ૧ લાખને પાર કરી ગયો છે અને સતત નવમો દિવસ છે જ્યારે કોરોનાના ૧ લાખથી વધુ કેસ નોંધાયા છે. હાલ ૧૪૭૧૮૭૭ દર્દીઓનો ઈલાજ ચાલુ છે.

કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રથી નોંધાય રહ્યા છે. દરમિયાન ભારતમાં રસીકરણનું અભિયાન પણ ચાલુ છે. ગઈકાલે ૩૩૧૩૮૪૮ લોકોને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં ૧૧૪૪૯૩૨૩૮ લોકોને ડોઝ અપાયા છે.

કોરોનાના કેસ એકધારા વધી રહ્યા છે આ દરમિયાન સરકારો પણ કોરોના પર કાબુ મેળવવા અનેક પ્રકારના પ્રતિબંધો મુકી રહી છે પરંતુ જે રફતારથી કોરોના આગળ વધે છે તેવામાં સવાલ ઉઠે છે કે શું હવે લોકડાઉન જ આખરી વિકલ્પ બચ્યો છે ?

(10:29 am IST)