મુખ્ય સમાચાર
News of Sunday, 15th April 2018

UNની ઇમરજન્સી બેઠક બોલાવાઇ : સીરિયા ૫ર ફરી હૂમલો કરીશુ – અમેરિકાનો આક્રોશ યથાવત

અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે સંયુક્તપણે સીરિયાની રાજધાની દમાસ્કસ પર હુમલા કર્યા છે. આ હુમલા બાદ રશિયા અને ચીનની વિશેષ માગણી પર સંયુક્ત રાષ્ટ્રની ઈમરજન્સી બેઠક બોલાવાઈ છે. આ બેઠકમાં પણ અમેરિકાના તેવરમાં કોઈ પરિવર્તન જોવા મળ્યું નથી. સંયુક્ત રાષ્ટ્રે સીરિયા હુમલાની નિંદા કરવા માટે રશિયાની વોટિંગ કરાવવાની માગણીને નામંજૂર કરી છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકની શરૂઆત રશિયા દ્વારા સીરિયા પર અમેરિકા, બ્રિટન અને ફ્રાંસના સંયુક્ત હુમલાની ટીકા સાથે થઈ હતી. જો કે અમેરિકાએ યુએનએસસીની બેઠકમાં કોઈ પસ્તાવો વ્યક્ત કર્યો નથી અને સ્પષ્ટતા કરી છે કે સીરિયા પર તે ફરીથી હુમલા માટે તૈયાર છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત નિક્કી હેલીએ કહ્યું છે કે સીરિયામાં ફરીથી રાસાયણિક હુમલાનો જવાબ આપવા માટે અમેરિકા તૈયાર છે. નવા રાસાયણિક હુમલા થવા પર અમેરિકા સીરિયા પર ફરીથી હુમલા કરી શકે છે.

સીરિયા પર અમેરિકાના હુમલા સંદર્ભે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમિર પુતિને કહ્યુ છે કે અમેરિકા અને તેના સાથીદેશોએ સીરિયામાં માનવીય આફત લાવવાની કોશિશ કરી છે. પુતિને કહ્યું હતું કે સીરિયા પર થયેલા હવાઈહુમલાને લઈને રશિયાએ યુએનએસસીની બેઠક બોલાવી છે. ચીને ક્હ્યું છે કે અમેરિકાની આ સૈન્ય કાર્યવાહી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન છે.

(12:47 pm IST)