મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

નરસંહાર : હુમલાની લાઈવ સ્ટ્રીમિંગ ફેસબુક પર આપી

ઓસ્ટ્રેલિયાનો મોતનો સોદાગર ઝડપાયો : હુમલા માટેની યોજના બે વર્ષ પહેલા તૈયાર કરી : અંતિમ સ્થળની પસંદગી ત્રણ મહિના પહેલા કરી હોવાનો ધડાકો

ક્રાઈસ્ટચર્ચ, તા. ૧૫ : ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં બે મસ્જિદમાં ૪૯ લોકોની ઘાતકી હત્યા કર્યા બાદ હથિયારા શખ્સની ધરપકડ કરી લેવાઈ છે. ઓસ્ટ્રેલિયાનો નિવાસી ૨૮ વર્ષીય બ્રેન્ટન ટેરન્ટે પોતાની ક્રૂરતા દુનિયાને દર્શાવવા માટે ૧૭ મિનિટ સુધી ફેસબુક લાઈવ કરીને તમામને ચોંકાવ્યા હતા. ટેરન્ટ ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથવેલ્સનો નિવાસી છે. ખૂની ખેલથી પહેલા પોતાના નાપાક ઇરાદાનો ઉલ્લેખ કરીને ૭૩ પાનામાં એક લેખ લખ્યો હતો જેમાં હેડિંગ દ ગ્રેટ રિપ્લેશમેન્ટ આપી હતી. પોતાને સામાન્ય અશ્વેત વ્યક્તિ તરીકે ગણાવીને ઓળખ આપી છે. તેના કહેવા મુજબ આ શખ્સ નોર્થ કોરિયા અને પાકિસ્તાન સહિત અનેક દેશોની યાત્રા કરી ચુક્યો છે. આ યાત્રા દરમિયાન તેના અનુભવથી તે મોતનો સોદાગર બન્યો હતો. ટેરન્ટે કહ્યું છે કે, એક વર્કિંગ ક્લાસ અને ઓછી આવક વાળા પરિવારમાં તેનો જન્મ થયો છે. સ્કુલ બાદ યુનિવર્સિટીમાં સામેલ થવા માટે કોઇ રસ ન હતો. કેન્સરથી પોતાના પિતાના મોતના આઠ વર્ષ બાદ ફરવા માટે ઓસ્ટ્રેલિયા છોડી દીધું હતું. તે બિટકોઇન ટ્રેડિંગથી ઘણા રૂપિયા બનાવી ચુક્યો છે. ૨૦૧૧માં દુનિયામાં ફરવા નિકળ્યો હતો. નોર્થ કોરિયા, પાકિસ્તાન અને યુરોપ સહિત અનેક દેશોમાં જઇને આવ્યો છે. પર્સનલ ટ્રેઇનર તરીકે કામ કરતી વેળા તે સારી વ્યક્તિ તરીકે દેખાય છે. યાત્રા દરમિયાન કેટલીક એવી ઘટનાઓ બની જેના કારણે તે કટ્ટરપંથી બન્યો હતો. ટેરન્ટના માતા અને બહેન ઓસ્ટ્રેલિયામાં રહે છે. પિતા એથ્લિટ હતા. શારીરિકરીતે ફિટ રહેવાની પ્રેરણા પિતાથી મળી હતી. આ શખ્સની ધરપકડ કરવામાં આવ્યા બાદ નવી વિગતો ખુલી રહી છે. હત્યા માટેનું કાવતરુ બે વર્ષ પહેલા ઘડી કાઢ્યું હતું અને સ્થળની પસંદગી બે મહિના પહેલા કરી હતી.

(7:51 pm IST)