મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

પાકિસ્‍તાનને અડીને આવેલા અમૃતસરમાં મોડી રાત્રીના વિસ્‍ફોટ જેવા અવાજ સુપર સોનિક વિમાનના હોવાનું ખુલ્યુ

નવી દિલ્હી: સરહદી રાજ્ય અને પાકિસ્તાનને અડીને આવેલા અમૃતસરમાં ગુરુવારે રાતે લોકોને વિસ્ફોટનો અવાજ સંભળાતા દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક લોકોના જણાવ્યાં મુજબ રાતે 1.30 વાગે મોટા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. પોલીસે જો કે કોઈ પણ પ્રકારના વિસ્ફોટના વાતનો ઈન્કાર કર્યો છે. તો પછી લોકોએ જે અવાજ સાંભળ્યો તે શેનો હતો? જો કે હવે આ વિસ્ફોટનું અસલ કારણ સામે આવ્યું છે.

સમાચાર એજન્સી એએનઆઈના સૂત્રોના જણાવ્યાં મુજબ ગુરુવારે મોડી રાતે ભારતીય વાયુસેનાએ પંજાબ અને જમ્મુમાં પોતાના ફાઈટર વિમાનો દ્વારા કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે અભ્યાસ ઉડાણો ભરી હતી. આ અભ્યાસ દરમિયાન મોટી સંખ્યામાં ફાઈટર વિમાનોએ અમૃતસર સહિત અન્ય સ્થાનો પર સુપરસોનિક સ્પીડમાં ઉડાણ ભરી હતી. કહેવાય છે કે આ સુપરસોનિક સ્પીડના કારણે જ લોકોને વિસ્ફોટ જેવો અવાજ સંભળાયો હતો. ભારતીય વાયુસેનાએ આ અભ્યાસ પાકિસ્તાની વાયુસેના દ્વારા ભવિષ્યમાં ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘૂસણખોરી થઈ શકે તેની આશંકાઓને ધ્યાનમાં રાખીને કર્યો છે. જેના થકી હવે ભારતીય વાયુસેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે બિલકુલ તૈયાર છે.

આ બાજુ પોલીસે વિસ્ફોટ જેવી કોઈ પણ ઘટનાનો ઈન્કાર કર્યો છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા એડીસીપી જગજિત સિંહ વાલિયાએ કહ્યું કે હું લોકોને અપીલ કરું છું કે તેઓ કોઈ પણ પ્રકારની સોશિયલ મીડિયાની અફવાઓ પર ધ્યાન ન આપે. બધુ બરાબર છે. અમને હજુ કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાની જાણકારી મળી નથી.

અમૃતસરના કેટલાક લોકોનું કહેવું છે કે આ વિસ્ફોટ જેવો અવાજ વિમાનના પસાર થવાના કારણે આવ્યો હતો. એવું પણ કહેવાય છે કે વિસ્ફોટ જેવો અવાજ એટલો જોરદાર હતો કે તેનો અવાજ ફક્ત અમૃતસર જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ સંભળાયો હતો. કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખાયું છે કે વિસ્ફટોના કારણે કેટલાક લોકોના ઘરના કાચ તૂટી ગયા અને લોકોમાં ડરનો માહોલ પેદા થયો.

શહેરમાં અનેક જગ્યાએ પોલીસે લોકોને સમજાવીને ઘરોમાં પાછા મોકલ્યાં. આ બધા વચ્ચે પોલીસ કમિશનર એસએસ શ્રીવાસ્તવ અને ડીસી શિવ દુલાર સિંહ ઢિલ્લોએ જણાવ્યું કે અત્યાર સુધી વિસ્ફોટ ક્યાં થયા છે તે અંગેની કોઈ જાણકારી તેમને મળી નથી. તપાસ ચાલુ છે. તેમણે લોકોને કહ્યું છે કે આવી અફવાઓથી દૂર રહો. 

(4:29 pm IST)