મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

આવી રહ્યો છે રોબોટ યુગ : કરોડો નોકરીઓ આંચકી લેશે

સમગ્ર વિશ્વમાં આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સનો વધતો વ્યાપ : મઘ્યમવર્ગીય નોકરંીયાતો ઘરભેગા થઈ જશે :વિશ્વમાં વર્ષ ર૦૩૦ સુધીમાં મશીન આધારીત ટેકનોલોજી ૮૦ કરોડ લોકોને અસર કરશે : સ્કિલ રોજગારને અભયદાન : માણસ અને મશીન વચ્ચે વર્ચસ્વની ફિલ્મી લડાઈ વાસ્તવિક બનશે

રાજકોટ તા. ૧૫ : જમાનો ટેકનોલોજીનો છે પરંતુ શું તમોને ખબર છે આ ટેકનોલોજી જ એક દિવસ તમારા માટે પાયમાલી નોતરશે. રોબોટની આખી ફૌજ આવી રહી છે જે મોટાભાગના રોજગાર ખાઈ જશે. ખાસ કરીને મઘ્યમવર્ગના કામદારો, નોકરીયાતને ઘર ભેગા કરી દેશે.

સમગ્ર વિશ્વમાં આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહયો છે. વિકસીત દેશોમાં રોબોટ કામ કરતાં થઈ ગયા છે અને નજીકના ભવિષ્યમાં ભારત જેવા વિકાસશીલ દેશોમાં પણ ઠેર ઠેર રોબોટ ઠલવાઈ જશે. એક અભ્યાસ અનુસાર વર્ષ ર૦૩૦ સુધીમાં મશીન આધારીત ટેકનોલોજી ૮૦ કરોડ નોકરી આંચકી લેશે. ઓછા ખર્ચે વધુ કામ આપતાં રોબોટને કોર્પોરેટ કંપનીઓ અગ્રતા આપશે. મેડિકલ ટેકનીશ્યન, રસોઈયો, ઓફિસ વર્કર, સિકયુરિટી ગાર્ડ, સુપરવાઈઝર વગેરેનું સ્થાન મશીન લેશે. આ નોકરી મોટે ભાગે મઘ્યમ વર્ગના લોકો કરે છે જેમને ટેકનોલોજીની સૌથી વધુ અસર થશે. અત્યંત જોખમી મનાતી નોકરીમાં રોબોટ લોકપ્રિય બનશે. જે બાબતમાં માનવીય ભૂલોને અવકાશ છે ત્યાં રોબોટ ગોઠવાઈ જશે. ભવિષ્યમાં મનુષ્યની મુખ્ય હરિફાઈ મશીન સાથે થશે.

અંગ્રેજી ફિલ્મોમાં આપણે માણસ અને મશીન વચ્ચે વર્ચસ્વની જે લડાઈ જોતાં આવ્યા છીએ તે વાસ્તવિક બનશે જેનો આરંભ થઈ ચૂકયો છે. મશીન આધારીત વર્કફોર્સ મુખ્ય જરૂરીયાત બની રહેશે.

મોટાભાગની નોકરીઓ રોબોટ આંચકી લેશે તો બેરોજગાર રહેલા કામદારોને નોકરી મેળવવાના ફાંફા થશે. આવી સ્થિતીમાં તેમના માટે કરવા જેવું કંઈ બાકી નહી રહે અને બેરોજગારી તેને વધુ ગરીબ બનાવશે. સખત મહેનતની નોકરી રોબોટ ગમે તેવી સ્થિતીમાં સરળતાથી કરી લેશે. મઘ્યમ વર્ગને જ સૌથી વધુ અસર એટલે થશે કારણ કે કેટલીક સ્કિલ આધારીત નોકરીઓ એવી હશે જે રોબોટ કરી શકશે નહીં. કોર્પોરેટ જૂથો નાણાં ખર્ચી રોબોટ ખરીદી લેશે અને વધુ નાણાં કમાવવા તેનો ઉપયોગ કરશે. મઘ્યમ વર્ગ જે વેરા ભરે છે તેની આવક સરકારે ગુમાવવી પડશે. સરકારે રોબોટનો ઉપયોગ કરતી કંપનીઓ પર વધુ ટેકસ નાંખવો પડશે. રોબોટ યુગમાં નોકરીયાત વર્ગને જીવવા માટે સંઘર્ષ કરવો પડશે. કેટલીક માનવીય કૂશળતાઓ એવી છે જેને રોબોટ કયારેય અપનાવી નહીં શકે. ક્રિએટીવીટી, ટીચીંગ, સીંગીંગ, નર્ચરીંગ, નિગોશીએશીંગ, સેલીંગ વગેરે ફિલ્ડના કામદારોને વધુ અસર નહીં થાય. વિવિધ ક્ષેત્રોમાં મનુષ્યો અને રોબોટે સાથે મળીને કામ કરવું પડશે.

(3:45 pm IST)