મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

ભયાનક હિંસા તરફ આગળ ધપતુ કાશ્મીર

જમ્મુ, તા. ૧પ : કાશ્મીર ફરી એકવાર ભયાનક હિંસા તરફ આગળ વધી રહ્યું છે, તેમાં કોઇ શંકા નથી. આનો સ્વીકાર સુરક્ષા અધિકારીઓ પણ કરવા લાગ્યા છે. આ આગમાં ઘી હોમવાનું કામ જો આતંકવાદી નેતાઓની અપીલો કરી રહી છે તો મુઠભેડ દરમ્યાન સામાન્ય નાગરિક અને તેની સંપતિને થનાર નુકસાન પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે.

ભલે અધિકારી તેને જાહેર રીતે નથી સ્વિકારતા પણ હિંસા સામે લડવા માટે થઇ રહેલી તૈયારીઓ તેની પુષ્ટિ કરે છે. પથ્થરબાજો સાથે નિપટવા માટે થઇ રહેલી તૈયારીઓમાં લાખોની સંખ્યામાં પેલેટગનની બુલેટો અને હજારોની સંખ્યામાં પેલેટગનો કાશ્મીરના દરેક જીલ્લામાં પહોંચાડવાની કસરત આ બાબતને સાબિત કરે છે.

સીઆરપીએફના હજારો જવાનોની સાથે જ જમ્મુ કાશ્મીર પોલીસના જવાનોને પણ પથ્થરબાજો, હિંસા ફેલાવનાર તથા આઇએસ અને પાકિસ્તાનના ઝંડા ફરકાવનારાઓ સાથે નિપટવાની તાલીમ અપાઇ રહી છે. આ તાલીમમાં હવે પેટ્રોલ બોમ્બ સાથે નિપટવાની તાલીમ પણ ઉમેરાઇ છે.

અધિકારીઓ અનુસાર, થોડા દિવસ પહેલા કેટલાક આતંકવાદી કમાન્ડરો દ્વારા બહાર પડાયેલ વીડીયો કાશ્મીરમાં ઉનાળો હિંસક બનવાના સંકેતો આપે છે જેમાં તેમણે કાશ્મીરીઓને ઇસ્લામના નામે પથ્થર ફેંકવાની અપીલ કરી છે. અધિકારી કહે છે કે આતંકવાદી નેતાઓ જાણે છે કે ધર્મના નામે લોકોને સહેલાઇથી ઉશ્કેરી શકાય છે, એટલે સુરક્ષા દળો કોઇ ઢીલ મૂકવા તૈયાર નથી.

મુઠભેડ દરમ્યાન કાશ્મીરીઓના ઘરને સંપૂર્ણ રીતે તબાહ કરવાની સુરક્ષા દળોની રણનીતિ કાશ્મીરીઓનો ગુસ્સો ભડકાવી રહી છે. એક અધિકારીએ નામ ન છાપવાની શરતે કહ્યું હતું કે જો તમે કોઇનું ઘર સંપૂર્ણપણે તબાહ કરો તો તે તમારા પર ગુસ્સે થાય તે સ્વાભાવિક છે, જોકે તેણે એમપણ કહ્યું કે આવી સ્થિતિ આતંકવાદીઓ જ ઉભી કરે છે જે લોકોના ઘરમાં ઘુસીને ત્યાંથી સુરક્ષા દળોને હુમલા માટે લલકારે છે.

આવી પરિસ્થિતી માટે સુરક્ષા દળો ભલે ગમે તેને દોષી ગણે પણ સત્ય એ છે કે પોતાના ઘરોને તબાહ થતા જોઇને કાશ્મીરીઓનું લોહી ઉકળી રહ્યું છે. સુરક્ષા દળોની નવી રણનીતિ અનુસાર તેઓ હવે જયાં આતંકવાદીઓ કબજો જમાવીને સુરક્ષા દળો પર હૂમલો કરે છે તેવા ઘરોને મોર્ટાર, બોમ્બ અથવા નાની તોપથી તબાહ કરવાને પ્રાથમિકતા આપે છે. પરિણામો સામે જ છે. કાશ્મીરીઓમાં આ રણનીતિની ભડકી રહેલા ગુસ્સાને આતંકવાદીઓ તથા ભાગલાવાદીઓ પોતાની તરફેણમાં વાળી રહ્યા છે. જે આ ઉનાળામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને બહાર આવે તો તેમાં કોઇ અતિશયોકિત નહીં હોય. (સુરેશ ડુગ્ગર દ્વારા)

(3:43 pm IST)