મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

ચીનના માલના બહિષ્કારની ચીન ઉપર મામૂલી અસર

ભારત-ચીન વચ્ચે અબજો ડોલરનો દર વર્ષે વેપાર છેઃ ઉત્તરોતર વધતો જાય છે! ચીની આઇટમો સસ્તી-સુંદર આકર્ષક

નવી દિલ્હી તા.૧૫: સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ચીને ફરી એકવાર આડોડાઇ કરીને મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર થતા બચાવી લીધો. ત્યાર પછી ભારતમાં ચાઇનીઝ માલના બહિષ્કારની અપીલ શરૂ થઇ છે. લોકોએ દેશભકિત દાખવતા ચાઇનીઝ માલ ન ખરીદવાની વાત કહી છે, પણ શું તે શકય છે?

ચીન ભારતીય વેપારનું એક સહયોગી છે. સરકારી આંકડાઓ અનુસાર, ૨૦૧૭-૧૮માં ભારતથી ચીનમાં ૧૩.૪ અબજ ડોલર (૯૨૦ અબજ રૂપિયા)ની નિકાસ થઇ હતી જયારે ચીનમાંથી ૭૬.૪ અબજ  ડોલર (૫૩૪૮ અબજ રૂપિયા)ની આયાત થઇ હતી. ચીનમાંથી ભારતમાં આયાત દર વર્ષે વધતી જાય છે, ૨૦૧૬-૧૭માં ૫૧.૧૧ અબજ ડોલરની આયાત થઇ હતી.

દિલ્હીના સદર બજારના એક વેપારી પ્રમોદ ગુપ્તા કહે છે કે, ચીની ગીફટ આઇટમો સસ્તી, સુંદર અને આકર્ષક હોવાથી બહું લોકપ્રિય છે. આખા સદર બજારમાં બધો માલ ચીનથી જ આવે છે અને દરેક ગ્રાહકના મોઢે એક જ વાત હોય છે કે કંઇક નવું મળ્યું, સસ્તુ મળ્યું અને સુંદર મળ્યું.

શાંધાઇ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં બંને દેશો તરફથી આવેલા બયાનમાં કહેવાયું હતું કે ૨૦૨૦ સુધીમાં ચીન ભારત વચ્ચેના વેપારને ૧૦૦ અબજ ડોલર સુધી પહોંચાડવામાં આવશે. નિષ્ણાંતો જણાવે છે કે ભારત પાવર અને દવા માટે ચીન પર બહુ નિર્ભર છે. ભારતીય સોલર માર્કેટ ચાઇનીઝ પ્રોડકટ પર નિર્ભર છે. પાવર સેકટરમાં ૭૦ થી ૮૦ ટકા ઉત્પાદન ચીનથી આવે છે. દવાઓનો કાચો માલ પણ ચીનથી જ આયાત થાય છે. આ મામલે ભારત ચીન પર સંપૂર્ણપણે નિર્ભર છે.

છેલ્લા ૪૦ વર્ષમાં ચીન યુરોપીયન દેશો પાસેથી ઘણું શીખ્યું છે. તે ટેકનોલોજીને બહેતર બનાવીને સામાન સસ્તાભાવે વેચે છે. ચીનની અર્થવ્યવસ્થા ૧૧.પ ટ્રીલીયન ડોલરની છે જયારે ભારતની અર્થવ્યવસ્થા તેનાથી ચાર ગણી નાની છે. ભારતની અર્થવ્યવસ્થા ૩ ટ્રીલીયન ડોલરની છે. ચીન અને જાપાન વચ્ચે ૩૦૦ બિલીયન ડોલરનો વેપાર છે. બંન્ને દેશો વચ્ચે દૂશ્મની કટ્ટર હોવા છતાં યુદ્ધ ન થવાનું કારણ વેપારનું આ કદ છે. આ બાબતમાં ભારત કયાંય દેખાતું  નથી. દુનિયાના આર્થિક વિકાસમાં ચીનનું યોગદાન ૩૩ ટકા છે. અમેરિકા સાથે ચીનનો વાર્ષિક વેપાર ૪૨૯ બિલીયન ડોલરનો છે. આ સ્થિતિમાં ભારત-ચીનનો ૭૦ બિલીયન ડોલરનો વેપાર કંઇ ન ગણાય. ૧૧.પ ટ્રીલીયન ડોલરમાંથી ભારતનો ૭૦ બિલીયન ડોલરનો હિસ્સો કદાચ નીકળી પણ જાય તો ચીનને કંઇ ફરક પડે તેમ નથી.

(3:34 pm IST)