મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

હુમલાખોર ઓસ્ટ્રેલિયન નાગરિક : વિદેશી ઘુસણખોરોને હાંકી કાઢવાનો મનસૂબો

હુમલાખોરે મેનિફેસ્ટોમાં લખ્યું છે કે જો હું બચી જઇશ તો કોર્ટમાં મને દોષિત ઠેરવવામાં નહી આવે

ક્રિસ્ટચર્ચ તા. ૧૫ : ન્યૂઝીલેન્ડના સાઉથ આયર્લેન્ડ શહેર ક્રાઇસ્ટચર્ચ ખાતેની બે મસ્જિદમાં અંધાધૂંધ ગોળીબાર થતાં સંખ્યાબંધ લોકોના મોત નીપજયા હતા. આ સિવાય આ દુર્ઘટનામાં અનેક લોકો ઘવાયા હોવાની જાણકારી પણ મળી છે. પ્રાપ્ત માહિતી મુજબ હુમલાખોર હજુ પણ સક્રિય છે. પોલીસે મસ્જિદની આસપાસના વિસ્તોરોમાં નાકાબંધી કરીને તપાસ હાથ ધરી છે અને આ મામલે અત્યાર સુધી ચાર હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. હુમલાખોર ઓસ્ટ્રેલિયાનો નાગરિક હોવાની ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું હતું.

હુમલાખોરની ઓળખ બ્રેન્ટન ટેરેન્ટ તરીકે થઇ છે જે ઓસ્ટ્રેલિયાનો નાગરિક છે. બ્રેન્ટન હુમલો કરતા સમયે ફેસબુક અને ટ્વિટર પર લાઇવ હતો. તેણે સોશિયલ મીડિયા પર ૭૩ પેજનો એક સંદેશ અપલોડ કર્યો છે જેમાં તેણે પોતાને એક સામાન્ય વ્હાઇટ મેન ગણાવ્યો છે. તેણે મેનિફેસ્ટોમાં જણાવ્યું છે કે, તે એક મધ્યમ વર્ગ અને ઓછી આવકવાળા પરિવારમાં જન્મ્યો હતો. તેણે પોતાના લોકો માટે કાંઈક કરવાનો નિર્ણય લીધો હતો.

તેણે હુમલા પાછળનું કારણ જણાવતા લખ્યું હતું કે, તે યુરોપની ધરતી પર ઘૂસણખોરી કરીને આવેલા લોકોની સંખ્યા ઘટાડવા માંગે છે. હું ઘૂસણખોરી કરીને આવેલા લોકોને જણાવવા માંગુ છું કે અમારી ધરતી અમારી જ રહેશે, આ ધરતી કયારેય તેમની થશે નહીં. જયાં સુધી ગોરા લોકો જીવિત છે ત્યાં સુધી તેઓ અમારી ધરતીને છીનવી શકશે નહીં અને અમારા લોકોને કયારેય બદલી શકશે નહીં.

ન્યૂઝીલેન્ડ હુમલો કરવા માટે તેની પ્રથમ પસંદગી ન હતી પરંતુ તેણે જણાવ્યું હતું કે, પશ્ચિમના અન્ય દેશો કરતા ન્યૂઝીલેન્ડ હુમલો કરવા માટે વધારે યોગ્ય હતું. હુમલાખોરે હુમલાને ઘૂસણખોરી થઇને આવેલા લોકો દ્વારા યુરોપ પર જે હુમલા કરાયા છે તેનો બદલો ગણાવ્યો હતો.

તેણે જણાવ્યું હતું કે, ન્યૂઝીલેન્ડમાં કરેલો હુમલો ફ્રાન્સ ૨૦૧૭માં કરાયેલા હુમલાથી પ્રેરિત છે, હું ઘણા વર્ષોથી સાંભળી રહ્યો હતો કે નોન વ્હાઇટ લોકો ફ્રાન્સમાં આવીને વસી ગયા છે. પરંતુ જયારે હું ફ્રાન્સમાં આવ્યો ત્યારે મેં સાંભળેલી તમામ વાતો સાચી સાબિત થઇ ગઇ. મેં જોયું કે ફ્રાન્સના તમામ શહેરમાં ઘૂષણખોરો જ દેખાતા હતા.

બ્રેન્ટને જણાવ્યું હતું કે, મને હુમલા અંગે કોઇ પસ્તાવો નથી, હું ઇચ્છું છું કે મેં વધારે લોકોને માર્યા હોત. મને લાગે છે કે જો હું બચી જઇશ તો કોર્ટમાં મને દોષિત ઠેરવવામાં આવશે નહીં.

(3:32 pm IST)