મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

ખોબો ભરીને મધમાખીઓ મોંમાં ભરે છે આ ભાઇ

કોલકત્તા તા. ૧પઃ પશ્ચિમ બંગાળના ચંદ્રમૌનીપુર ગામમાં રહેતો સુક મહમ્મદ દલાલ નામનો ૩ર વર્ષનો યુવક છેલ્લાં ૧૬ વર્ષથી મધમાખી ઉછેરનું કામ કરે છે. મધપૂડામાંથી મધ કાઢવાના કામમાં માહેર એવા સુક મહમ્મદનું કહેવું છે કે તેને હવે મધમાખીના ડંખની કોઇ અસર નથી થતી. તેનું શરીર હવે મધમાખીના ડંખના ઝેરને પચાવી જાય છે. મધમાખીઓથી બણબણતા મધપૂડાની સાથે તે જાતજાતના સ્ટન્ટ્સ કરી બતાવે છે. પહેલાં તે એક મધપૂડામાં વચ્ચે કાણું પાડે છે અને પછી ચોતરફ મધમાખીઓ બણબણતી હોય ત્યારે જ એમાં માથું ઘુસાડે છે. આટલું ઓછું હોય એમ મધમાખીઓ સામે મોં ખોલીને ઊભો રહી જાય છે. કેટલીક માખીઓ મોંમાં જાય છે એટલે મધપૂડામાંથી ખોબો ભરીને માખીઓ ઉઠાવે છે અને મોંમાં ઠૂંસે છે. મોં આખું મધમાખીઓથી ભરાઇ જાય છે અને છતાં સુક મહમ્મદના ચહેરા પર પીડાની એક લકીર નથી જોવા મળતી. ખોબામાં વધેલી મધમાખીઓ ભાઇસાહેબ પોતાની ગંજીમાં નાખી દે છે.

સુક મહમ્મદ પહેલાં કલકત્તા શહેરમાં એક ડોકટરને ત્યાં અસ્સ્ટિન્ટ તરીકે કામ કરતો હતો, પણ જયારે તે ગામ જતો ત્યારે મધપૂડાઓ જોઇને તેને એને છંછેડવાનું બહુ મન થતું. તે બહુ સરળતાથી એમાંથી મધ કાઢીને વેચી આવતો. આવું એક-બે વાર થયું એ પછી તેને આ કામ બહુ ગમવા લાગ્યું અને તેણે કલકત્તા છોડીને ગામમાં જ આ કામ શરૂ કરી દીધું.

(11:42 am IST)