મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

ભાજપાના ઘણા સંસદ સભ્યોની લોકપ્રિયતા ૧૦ ટકાથી પણ ઓછી

મોટાભાગના વિસ્તારોમાં સાંસદો અને વડાપ્રધાનની લોકપ્રિયતામાં ભારે અંતરઃ પ્રજા અને કાર્યકરો બન્ને પાસેથી મેળવાઇ માહિતી

નવી દિલ્હી, તા. ૧પ : દેશમાં ઘણી સંસદીય બેઠકો એવી છે જયાં ભાજપા સાંસદની લોકપ્રિયતા ૧૦ ટકાથી પણ ઓછી છે. ત્યાં બીજા પક્ષોના ચેલાઓની સરખામણીઓ વડાપ્રધાનની લોકપ્રિયતા ૬૦ ટકા અથવા જેનાથી પણ વધારે છે.

ઉતરપ્રદેશમાં આવા સંસદ સભ્યોની સંખ્યા લગભગ અડધી છે. પૂર્વી ઉતરપ્રદેશના અંદરના રિોપર્ટ પર જો અમલ થાય તો ત્યાં ભારે ફેરફાર થવાના સંકેલો છે. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરતા પહેલા ભાજપા નેતૃત્વ પાસે તેના હાલના બધા સંસદ સભ્યોની વ્યાપક માહિતી આવી ગઇ છે.

તેમાં તેમના ઉપર વિભિન્ન સ્તરે કરાયેલ સર્વે, સાંસદો દ્વારા અપાયેલ વિગતો, સંગઠનનો અંદાજ અને પ્રદેશ નેતૃત્વની ભલામણો સામેલ છે. મોટાભાગના સંસદ સભ્યોના વિસ્તારમાં તેની અને વડાપ્રધાનની લોકપ્રિયતામાં બહુ અંતર છે. એટલે આવા સંસદસભ્યોને ફરીથી ટિકીટ મળવા અંગે શંકા કુશંકાઓ વધી ગઇ છે.

ભાજપામાં કેટલાય સ્તરે દરેક સંસદીય વિસ્તારની વ્યાપક માહિતીઓ ભેગી કરાઇ છે. જેમાં હાલના સાંસદ અને વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા પણ પારખવામાં આવી છે. સુત્રો અનુસાર યુપીમાં સપા-બસપા ગઠબંધનને જોતા ભાજપા કોઇપણ પ્રકારનું જોખમ નહીં લે.

પક્ષના એક ઉચ્ચ નેતાએ કહ્યું છે કે અંતિમ નિર્ણય કેન્દ્રીય ચૂંટણી સમિતિ કરશે એ બરાબર છે પણ પક્ષના વિભન્ન સ્ત્રોતો પાસેથી જે માહિતી મળી છે તેને ધ્યાનમાં લઇને જ નિર્ણય કરાશે. મોટાભાગના વિસ્તારોમાં સ્થિતિ સ્પષ્ટ છે. પક્ષે એકદમ નીચેના સ્તરે જઇને કાર્યકરો અને પ્રજા પાસેથી માહિતી મેળવી છે. આ ઉપરાંત બીજા પક્ષોનો પણ પૂરો અંદાજ લીધો છે. સામાજીક સમીકરણો ઉપર પણ ધ્યાન આપ્યું છે અને ઉમેદવારની પક્ષ પ્રત્યેની વફાદારી પણ ધ્યાનમાં લીધી છે.

(11:40 am IST)