મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

ભાજપનું મીશન પૂર્વોતર સફળઃ ગઠબંધન રચાયુઃ લોકસભા ચુંટણીમાં ફાયદો થશે

નાગાલેન્ડ અને મેઘાલયના મુખ્યમંત્રીઓ સાથે સફળ સમજૂતીઃ રામ માધવની જાહેરાત

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષો વચ્ચે ચર્ચા વિચારણાના દોર પછી પૂર્વોતર ભારતમાં કોંગ્રેસને પરાજય આપવા આખરે મહાગઠબંધનની રચના કરવામાં સફળતા મળી છે.

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવે ફેસબુક પર આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે પૂર્વોતરની લોકસભાની ૨૫ બેઠકો પૈકી ૨૨ બેઠક પર ગઠબંધન જીત મેળવવાની ક્ષમતા ધરાવે છે.સિટીઝન (સુધારા) ખરડાને મુદ્દે હજી બે મહિના પહેલા જ ભાજપ સાથે છેડો ફાડનારા આસામ ગણ પરિષદે પણ મંગળવારે મોડીરાતે ચૂંટણી પૂર્વેની સમજૂતી કરી લીધી હતી.

માધવે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે વિરોધપક્ષ મહાગઠબંધનની હજી વાતો કરી રહ્યો છે ત્યારે ભાજપે પુર્વોતરમાં મહાગઠબંધની રચના કરી લીધી છે.

રામ માધવે ભાજપના નેતૃત્વ હેઠળની આસામ, અરૂણાચલ અને મણિપુર સરકારોના મુખ્યપ્રધાનો ઉપરાંત નાગાલેન્ડ અને મેઘાલયની ગઠબંધન સરકારોના મુખ્યપ્રધાનો સાથે પણ ચર્ચા વિચારણા કરીને ચૂંટણી સમજૂતીને આખરી ઓપ આપ્યો હતો. માધવે ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે પુર્વોત્તરમાં કોંગ્રેસને પરાજય આપવા ભાજપ, એનડીપીપી, એજીપી અને બીપીએફ સાથે મળીને ચૂંટણી લડશે. ૧૧,૧૮ અને ૨૩ એપ્રિલના રોજ ત્રણ તબક્કે આસામમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે.

(11:39 am IST)