મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

અરવિંદ ફેશન લી.માં સતત ઉપલી સર્કિટ : ગઇકાલે ૫%ની સર્કિટ સાથે ૭૫૫ ઉપર બંધ હતો

કંપનીનો શેર ૭ માર્ચના રોજ રૂ. ૫૯૧ના ભાવે લીસ્ટ થયો હતો

મુંબઇ તા. ૧૫ : અમદાવાદ સ્થિત અરવિંદ જૂથની અરવિંદ ફેશન લિ (એએફએલ)નો શેર સતત ઉપલી સર્કિટ દર્શાવી રહ્યો છે. ગુરુવારે પણ કંપનીનો શેર ૫ ટકાની અપર સર્કિટ સાથે બીએસઇ ખાતે રૂ. ૭૫૫.૧૦ના સ્તરે બંધ રહ્યો હતો.

કંપનીનો શેર અગાઉના દિવસના રૂ. ૭૧૯.૧૫ના બંધ ભાવ સામે રૂ. ૩૫ સુધારા સાથે બંધ આવ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. ૪,૩૮૦ કરોડ પર જોવા મળ્યું હતું અને જૂથની તમામ લિસ્ટેડ કંપનીઓમાં અરવિંદ ફેશન સૌથી વધુ માર્કેટ-કેપ ધરાવતી કંપની બની રહી છે. કંપનીનો શેર ૭ માર્ચના રોજ રૂ. ૫૯૧ના ભાવે લિસ્ટ થયો ત્યારથી સતત ઉપલી સર્કિટમાં બંધ થતો રહ્યો છે.

અરવિંદ ફેશન્સમાં કેલ્વિન કલેન, ટોમી હિલફાઇગર અને ગેપ જેવી બ્રાન્ડ્સનું રિટેલિંગ કરે છે. ગયા નવેમ્બરમાં અરવિંદે તેના ફેશન બિઝનેસને અલગ કરવાની જાહેરાત કરી હતી અને અરવિંદ લિના પાંચ શેર પર એએફએલનો એક શેર આપવામાં આવ્યો હતો. કંપનીમાંથી છૂટા પડેલા એન્જિનિયરિંગ બિઝનેસ અનૂપ એન્જિનિયરિંગનું લિસ્ટિંગ ૧ માર્ચે થયું હતું અને કંપનીનો શેર પણ ગુરુવારે ૫ ટકાની ઉપલી સર્કિટમાં રૂ. ૬૬૧.૫૫ના ભાવે બંધ રહ્યો હતો.

એ વાત ઉલ્લેખનીય છે કે એનાલિસ્ટ્સે અરવિંદ ફેશન્સના લિસ્ટિંગ વખતે ઓપનિંગ ભાવથી ફેર વેલ્યૂ ઘણી ઊંચી હોવાનું જણાવ્યું હતું. જેમાં એકિસસ કેપિટલે તેના રિપોર્ટમાં અરવિંદ ફેશન્સનો ભાવ રૂ. ૧,૪૦૦નો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. કેટલાક રોકાણકારોએ પણ લિસ્ટિંગ વખતે એવું જણાવ્યું હતું કે ડિસ્કવર્ડ ભાવ ઊંચો હોવો જોઈતો હતો.

લિસ્ટિંગ અગાઉ એકસચેન્જિસ ૪૫ મિનિટ માટે પ્રાઇસ ડિસ્કવરી પ્રોસેસની છૂટ આપે છે. જેમાં રોકાણકારોને વાસ્તવિક ટ્રેડિંગ શરૂ થાય તે અગાઉ બિડ્સ મૂકવાના હોય છે. જેને આધારે એનએસઇ અને બીએસઇ ખાતે અરવિંદ ફેશન્સનો શેર રૂ. ૫૯૦ના ભાવે લિસ્ટિંગ પામ્યો હતો અને ત્યાર બાદ ગુરૂવાર સુધીના ટ્રેડિંગ સત્રોમાં સતત ઉપલી સર્કિટમાં બંધ થતો રહ્યો છે. કંપનીમાં પ્રમોટર્સ ૩૬ ટકાનો હિસ્સો ધરાવે છે. જયારે ૬૪ ટકા હિસ્સો એફઆઇઆઇ, ડીઆઇઆઇ અને પબ્લિક પાસે રહેલો છે.

(11:35 am IST)