મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

ચૂંટણી સમયે જ યુધ્ધ છેડવાનું પાક.નું ષડયંત્ર

ઇન્ટેલિજન્સ એજન્સીનો સનસનીખેજ રિપોર્ટ

નવી દિલ્હી તા. ૧૫ : દેશમાં જયારે સામાન્ય ચૂંટણીઓ ચાલી રહી હશે ત્યારે પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાન એક મોટું યુદ્ઘ ભારત સામે છેડી શકે છે એવા ચોંકાવનારા ઇન્ટેલિજન્સ રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષા એજન્સીઓ સાથે એક તાકીદની બેઠક યોજીને તમામ પ્રકારની સંભાવ્ય સ્થિતિ સામે કામ લેવા માટે ચર્ચા-વિચારણા કરી હતી.

ઇન્ડિયા ટીવીને આ અંગે કેટલાક ગુપ્ત દસ્તાવેજો મળ્યાં છે. આ ગુપ્ત દસ્તાવેજ દેશની ત્રણ મોટી ઇન્ટેલિજન્સ એજન્સીઓ-રો (રિચર્સ એન્ડ એનાલિસિસ વિંગ), એઆઇ (આર્મી ઇન્ટેલિજન્સ) અને આઇબી (ઇન્ટેલિજન્સ બ્યૂરો)એ તૈયાર કર્યો છે. ત્રણેય સંસ્થાઓએ પોતપોતાનો અલગ રિપોર્ટ આ બેઠક દરમિયાન સરકાર સમક્ષ રજૂ કર્યો હતો. આ ત્રણેય ઇન્ટેલિજન્સ એજન્સીઓના રિપોર્ટમાં એક વાત કોમન છે કે પાકિસ્તાન યુદ્ઘની તૈયારીઓ કરી રહ્યું છે.

રિપોર્ટમાં એવું જણાવાયું છે કે ભારતમાં જયારે લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી હશે ત્યારે પાકિસ્તાને યુદ્ઘ શરૂ કરવાનો પ્લાન તૈયાર કરી દીધો છે. સાઉથ બ્લોકના વોરરૂમમાં આ ઇમર્જન્સી મિટિંગ મળી હતી. આ મિટિંગ વડા પ્રધાન કાર્યાલય તરફથી બોલાવવામાં આવી હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારના સૌથી ટોચના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

આ ઉપરાંત આર્મી વડા બિપિન રાવત, એરફોર્સના વડા બી.એસ. ધનોઆ, નેવી ચીફ સુનીલ લાંબા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ રાઉન્ડ ટેબલ પર બેઠા હતાં. ઇન્ટેલિજન્સ એજન્સીઓના આ રિપોર્ટે સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે.

આ રિપોર્ટને સમર્થન આપતી એક ઘટનામાં ગઇ કાલે એલઓસી નજીક પાકિસ્તાનનાં બે ફાઇટર વિમાનો પુંચ સેકટરમાં દેખાયાં હતાં અને આ વિમાનોએ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી, પરંતુ એલર્ટ પર રહેલ ઇન્ડિયન એરફોર્સે પાકિસ્તાનની આ કોશિશ નિષ્ફળ બનાવી હતી. આ વિમાનો એલઓસીના ૧૦ કિ.મી.ના દાયરામાં જોવા મળ્યાં હતાં.

(9:53 am IST)