મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

બાંગ્લાદેશની ક્રિકેટ ટીમે મોતને સાક્ષાત નજરે જોયું

બાંગ્લાદેશના ખેલાડી મુશ્ફિકર રહીમે ટ્વિટ કર્યું કે 'ક્રાઇસ્ટચર્ચ ખાતે થયેલા શૂટઆઉટમાં આજે અમને અલ્લાહે બચાવ્યા હતા'

ન્યૂઝીલેન્ડ  તા. ૧૫ : એએફપીના જણાવ્યા પ્રમાણે ન્યૂઝીલેન્ડના હગલે પાર્ક ખાતે આવેલી અલ નૂર મસ્જિદમાં થયેલા શૂટઆઉટમાં બાાંગ્લાદેશની આખી ક્રિકેટ ટીમનો બચાવ થયો હતો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રવકતા જલાલ યુનૂસે જણાવ્યું કે, બાંગ્લાદેશની ટીમના મોટાભાગના સભ્યો મસ્જિદ ખાતે પહોંચ્યા હતા. ક્રિકેટરો અંદર જવાની તૈયારી જ કરી રહ્યા હતા ત્યારે ગોળીબાર થયો હતો.

એએફપી સાથે વાતચીત કરતા જલાલ યુનૂસે કહ્યુ કે, 'તેઓ બધા સહિસલામત છે. બનાવ બાદ તમામ ક્રિકેટરોને માનસિક આઘાતમાં છે. અમે ટીમના તમામ સભ્યોને હોટલના રૂમમાં જ રહેવાની સૂચના આપી છે.'

બાંગ્લાદેશના ઓપનિંગ બેટ્સમેન્ તમિમ ઇકબાલે ટ્વિટર પર લખ્યું કે, 'બાંગ્લાદેશની ટીમ શૂટરો જયાં હતા ત્યાંથી બચીને નીકળી ગઈ હતી. આ ખૂબ જ ડરાવનારો અનુભવ હતો. તમામ લોકોને વિનંતી છે કે અમારા માટા પ્રાર્થના કરો.'

બાંગ્લાદેશના પત્રકાર મોહમ્મદ ઇસ્લામે ટ્વિટ કર્યું છે કે, 'હગલે પાર્ક ખાતે એક મસ્જિદમાં જયારે શૂટઆઉટ થયું ત્યારે આખી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ત્યાં હતી. શૂટઆઉટમાં અન્ય લોકોની સાથે બાંગ્લાદેશની ટીમનો બચાવ થયો છે. શૂટરો જયારે મસ્જિદ ખાતે હતા ત્યારે ટીમ ત્યાંથી બચીને નીકળી ગઈ હતી. ટીમના સભ્યો હગલે પાર્કથી પરત ઓવલ દોડી ગયા હતા.'

બાંગ્લાદેશના વધુ એક ખેલાડી મુશ્ફિકર રહીમે ટ્વિટ કર્યું કે, 'ક્રાઇસ્ટચર્ચ ખાતે થયેલા શૂટઆઉટમાં આજે અમને અલ્લાહે બચાવ્યા હતા.'

ટીમના હાઇ પર્ફોર્મન્સ એનાલિસ્ટ શ્રીનિવાસ ચંદ્રસેખરને ટ્વિટ કર્યું કે, 'હમણા જ શૂટરોથી અમારો બચાવ થયો છે. અમારા હૃદયના ધબકારા વધી ગયા છે, લોકોમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે.'

બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ સાથે પ્રવાસ કરનાર બાંગ્લાદેશ ડેઇલી સ્ટારના પત્રકાર મઝહર ઉડ્ડીને જણાવ્યું કે, 'ટીમ જયારે અલ નૂર મસ્જિદ આવી પહોંચી હતી ત્યારે ત્યાં ગોળીબાર થઈ રહ્યો હતો. આવું દ્રશ્ય જોઈને ડઘાઈ ગયેલા બાંગ્લાદેશની ટીમના સભ્યો તાબડતોબ બસમાં જતા રહ્યા હતા અને બસના ફલોર પર ઊંઘી ગયા હતા.'

(9:51 am IST)