મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ માંડ-માંડ બચી

ન્યુઝીલેન્ડ : બે મસ્જિદ ઉપર આતંકી હુમલો : ૪૯ના મોત

મસ્જિદમાં લોકો નમાજ પઢતા હતા ત્યારે અંધાધુંધ ગોળીબાર : અનેકને ઇજા : ૪ની ધરપકડ : હુમલાખોર ઓસ્ટ્રેલીયન નાગરિક : શહેરમાં અફડાતફડી : શાળાઓ બંધ કરી દેવાઇ : લોકોને ઘરમાં જ રહેવા તાકિદ : હૂમલા વખતે મસ્જિદમાં ૬૦૦ : લોકો હતાઃ હૂમલાખોરે ઘટનાનું : ફેસબુક ઉપર લાઇવ પ્રસારણ કર્યુ : હુમલા વખતે બાંગ્લાદેશના ખેલાડીઓ નમાઝ પઢતા હતાઃ સુરક્ષિત બહાર કઢાયા

ક્રાઇસચર્ચ (ન્યુઝીલેન્ડ) તા. ૧૫ : ન્યુઝીલેન્ડની સાઉથ આઇસલેન્ડ સીટીની બે મસ્જિદો ઉપર ભયાનક હુમલો થયો છે. થયેલા અંધાધૂંધ ફાયરીંગમાં અહેવાલો મુજબ ૪૯ વ્યકિતના મોત થયા છે અને અનેકને ઇજા થઇ છે. જ્યારે ગોળીબાર થયા ત્યારે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના ૬ થી ૭ ખેલાડીઓ પણ મસ્જિદમાં મોજુદ હતા અને તેઓ માંડ માંડ બચ્યા છે. ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિડા અર્ડર્નએ કહ્યું છે કે આ એક સુનિયોજીત ત્રાસવાદી હુમલો હતો. હુમલાખોર દક્ષિણપંથી ઓસ્ટ્રેલિયન નાગરિક હતો. ન્યુઝીલેન્ડના ઇતિહાસની આ સૌથી ખરાબ ઘટના છે. પોલીસે ૪ જણાની ધરપકડ કરી છે.

આ ઘટના અંગે ન્યુઝીલેન્ડના પોલીસ વડાએ કહ્યું છે કે, ગનમેને બે મસ્જિદ ઉપર હુમલો કર્યો છે. જેમાં અનેક લોકોના મોત થયાની આશંકા છે. આ બારામાં ૪ વ્યકિતની ધરપકડ થઇ છે.

બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ હાલ ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. જો કે ટીમને કોઇ નુકસાન થયું નથી. આવતીકાલે મેચ છે. બાંગ્લાદેશના ખેલાડી નમાઝ માટે મસ્જિદ ગયા હતા પરંતુ એ દરમિયાન એક બંધુકધારીએ અચાનક ફાયરીંગ શરૂ કર્યું હતું. જો કે કોઇ ખેલાડીને ઇજા થઇ નથી. સુરક્ષિત રીતે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.

અલ નુર મસ્જિદ શહેરની વચ્ચે આવેલી છે. ફાયરીંગથી સમગ્ર શહેરમાં દહેશતનો માહોલ છે. મળતા અહેવાલો મુજબ હુમલાખોર કાળા કપડામાં હેલ્મેટ પહેરી મસ્જિદમાં ઘુસ્યા હતા અને જે લોકો નમાઝ પઢતા હતા. તેમના પર ફાયરીંગ શરૂ કર્યું હતું. તેની પાસે ઓટોમેટીક ગન હતી અને તે અંધાધૂંધ ફાયરીંગ કરવા લાગ્યો હતો.

ન્યુઝીલેન્ડ પોલીસે બાદમાં આસપાસના વિસ્તારને ઘેરી લીધો હતો અને બધી સ્કુલો બંધ કરાવી હતી. લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી હતી.

વડાપ્રધાન અર્ડને કહ્યું છે કે, આ ઘટના ન્યુઝીલેન્ડ માટે કાળા દિવસ સમાન છે. ઘટના નજરે નિહાળનારા લોકોનું કહેવું છે કે, શૂટરની ગોળીથી બચવા લોકો ભાગવા લાગ્યા હતા.

ન્યુઝીલેન્ડમાં હાઇએલર્ટઃઓકલેન્ડમાં વિસ્ફોટ

ઓકલેન્ડ : આજે સવારે ક્રાઇસ ચર્ચમાં થયેલા ગોળીબાર બાદ ઓકલેન્ડમાં ર વિસ્ફોટ થતાં ખળભળાટ મચી ગયો છેઃ એક બેંગ શંકાસ્પદ હાલતમાં મળી હતી. (પ-ર૮)

હુમલાખોર મિલિટરી સ્ટાઇલના વસ્ત્રોમાં હતો

ગોળીબારની સાથે સાથે....

*  ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ ખાતે બે મસ્જિદોમાં વણઓળખાયેલા હુમલાખોરેેઆજે ભીષણ ગોળીબાર

*  પહેલો હુમલો અલ નુર મસ્જિદમાં કરવામાં આવ્યો હતો. ક્રાઇસ્ટચર્ચના પેટાનગર વિસ્તાર લિનવુડમાં એક મસ્જિદમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો

*  ગોળીબારના સમય પર બાંગ્લાદેશી ક્રિકેટ ટીમ પણ મસ્જિદમાં હતી પરંતુ ટીમના ખેલાડીઓનો સહેજમાં બચાવ થયો હતો

*  હુમલાખોર કાળા વસ્ત્રો પહેરીને આવ્યો હતો. સાથે સાથે માથા પર હેલમેટ પણ પહેરી રાખી હતી. તેની પાસે ઘાતક હથિયારો હતા

*  ન્યુઝીલેન્ડ પોલીસ અને સુરક્ષા દળોએ ચારેબાજુથી સમગ્ર વિસ્તારને ઘેરી લઇને ઉંડી તપાસ હાથ

*  દુનિયાભરમાં ઘટનાને લઇને સવારથી ચર્ચા છેડાઇ

*  હુમલાના ગાળા દરમિયાન બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ત્યાં જ હતી. મસ્જિદમાં ગોળીબારની માહિતી મળતાની સાથે જ તમામ ખેલાડી બાકી લોકોની સાથે કોઇ રીતે બહાર આવી ગયા હતા.

*  બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ હાલમાં ન્યુઝીલેન્ડમાં છ. શનિવારથી બંને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ક્રાઇસ્ટચર્ચ ખાતે શરૂ થઇ રહી છે

*  ગોળીબારની ઘટના બન્યા બાદ આસપાસની તમામ ઇમારતોને બંધ કરી દેવામાં આવી હતી.

*  ન્યુઝીલેન્ડમાં બે મસ્જિદોમાં ગોળીબારની ઘટના બન્યા બાદ ભારતમાં પણ આની ચર્ચા સવારથી રહી હતી

(3:28 pm IST)