મુખ્ય સમાચાર
News of Thursday, 15th February 2018

૬૪ ટકા વેપારી માને છે કે, GST બાદ વેપારમાં અડચણો ઉભી થઇ છે

૭૬ ટકા વેપારીઓના મતે જીએસટીના અમલ બાદ એકાઉન્‍ટન્‍ટ રાખવો જરૂરી બની ગયો

મુંબઇ તા. ૧૫ : દેશમાં જીએસટી અમલમાં આવ્‍યા બાદ હાથ ધરવામાં આવેલા સર્વેમાં ૬૪ ટકા વેપારીઓનું કહેવું છે કે જીએસટી અમલમાં આવ્‍યા બાદ વેપારમાં ખૂબ અડચણો ઊભી થઇ છે. આઇએફસી દ્વારા ઓનલાઇન સર્વે કરવામાં આવ્‍યો હતો, જેમાં ૧૨૦૦ વેપારીઓની જીએસટી સંબંધે પૂછપરછ કરવામાં આવી હતી.

ઇન્‍ટરનેશનલ ફેડરેશન ઓફ એકાઉન્‍ટ્‍સ-આઇએફસી દ્વારા ૩૦ ઓક્‍ટોબરથી ર નવેમ્‍બર, ૨૦૧૭ના સમયગાળામાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં જીએસટી લાગુ થયા બાદ કેટલાક મહત્ત્વના મુદ્દે વેપારીઓની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં ૬૪ ટકા વેપારીઓએ સ્‍પષ્ટપણે સ્‍વીકાર્યું કે જીએસટીના અમલ બાદ દેશભરમાં વેપારી માટે કેટલીક મુશ્‍કેલીઓ ઊભી કરી દીધી છે, જયારે ૭૬ ટકા વેપારીઓએ કહ્યું કે જીએસટીનો અમલ કરવા માટે વેપારીએ એક એકાઉન્‍ટન્‍ટ રાખવો જરૂરી બની ગયો છે.

નોંધનીય છે કે દેશમાં ૧ જુલાઇ, ૨૦૧૭થી જીએસટીની વ્‍યવસ્‍થા અમલી બનાવવામાં આવી છે. આઝાદ ભારતના ઇતિહાસમાં પ્રથમ વાર આ પ્રકારની ટેક્‍સ રિફોર્મની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં સરકારનો ઉદ્દેશ ટેક્‍સ પ્રક્રિયા પારદર્શી બનાવવાનો છે.

(4:24 pm IST)