મુખ્ય સમાચાર
News of Thursday, 15th February 2018

PNB કૌભાંડનો આરોપી નીરવ મોદી દેશ છોડીને ભાગી ગયો

બેંકમાંથી લીધા હતા ૨૦૦૦ કરોડઃ ઇડી દ્વારા મની લોન્ડ્રીંગ એકટ હેઠળ નીરવ મોદી અને અન્ય સામે ૨૮૦ કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ સીબીઆઇએ દાખલ કરેલી ફરિયાદના આધારે કરવામાં આવ્યો

મુંબઈ તા. ૧૫ : દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંકના કૌભાંડનો આરોપી ડાયમંડ વેપારી નીરવ મોદી દેશ છોડીના ભાગી ગયો છે. નીરવ મોદી એફઆઈઆર નોંધાય તે પહેલાં જ દેશ છોડી જતો રહ્યો છે. તે સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ED દ્વારા મની લોન્ડ્રિંગ એકટ હેઠળ નીરવ મોદી અને અન્ય સામે ૨૮૦ કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ સીબીઆઈએ દાખલ કરેલી ફરિયાદના આધારે કરવામાં આવ્યો છે. પંજાબ નેશનલ બેન્ક (PNB)માં દેશના બેન્કિંગ ઉદ્યોગની સૌથી મોટી ૧૭૭.૧૭ કરોડ ડોલર એટલે કે ૧૧,૩૫૬ કરોડ રૂપિયાની છેતરપિંડીનો બુધવારે પર્દાફાશ થયો હતો. જેમાંથી ૨૦૦૦ કરોડ નીરવ મોદી અને ૯૦૦૦ કરોડ મેહુલ ચોકસીએ લીધા હતા. છેતરપિંડીથી બિનઅધિકૃતરીતે ટ્રાન્જેકશનનું આ કૌભાંડ મુંબઇની બ્રેડી હાઉસ બ્રાન્ચમાંથી થયું. જેમાં કેટલાક ખાસ ખાતેદારોને લાભ પહોંચાડવામાં આવ્યો હતો. બેન્કે આ મામલે ગુજરાતી ડાયમંડ મર્ચન્ટ નીરવ મોદી સામે સીબીઆઇમાં ફરિયાદ કરી છે.  જેને પગલે ઇડીમાં પણ કેસ નોંધાયો છે.

ગ્લેમર વર્લ્ડમાં નીરવ મોદી જાણીતું નામ છે. ૪૮ વર્ષના નીરવ મોદીના નામથી હીરાની બ્રાન્ડ છે.  એક સમયે તેઓ ખુદ જવેલરી ડિઝાઇન કરવા નહોતા માંગતા પરંતુ પ્રથમ જવેલરી ડિઝાઇન કર્યા બાદ કયારેય પાછળ વળીને જોયું નથી. તેમની ડિઝાઇન કરેલી જવેલરીની કિંમત કરોડો રૂપિયા હોય છે. નીરવ મોદી ભારતના એકમાત્ર જવેલરી બ્રાંડના માલિક છે જેમની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા થાય છે. તેમની ડિઝાઇન કરેલા આભૂષણ હોલીવુડ સેલિબ્રિટીથી લઇ દેશના ધનકુબેરોની પત્નીઓ શરીરની શોભા વધારે છે.(૨૧.૧૧)

(10:50 am IST)