મુખ્ય સમાચાર
News of Wednesday, 14th February 2018

ભારતીયો માટે વેલેન્ટાઇન્સ ડે બીજા કોઇપણ દિવસ જેવો સામાન્ય હોય છે

મોટા ભાગના ભારતીયો વેલેન્ટાઇન્સ ડેની વિશિષ્ટ પ્રકારે ઉજવણી કરવામાં નથી માનતા

નવી દિલ્હી તા. ૧૪ : વિદેશમાં ફેબ્રુઆરીની ૧૪મી તારીખ આખા વર્ષનો સૌથી વધુ રોમેન્ટિક દિવસ ગણાય છે, પરંતુ ભારતમાં એવું નથી. મોટા ભાગના ભારતીયો વેલેન્ટાઇન્સ ડેની વિશિષ્ટ પ્રકારે ઉજવણી કરવામાં નથી માનતા. એક મેચમેકિંગ વેબસાઇટે કરેલા સર્વેમાં રપ થી ૩પ વર્ષના ૮ર૦૦ મેરિડ અને અનમેરિડ યુવક-યુવતીઓનું મંતવ્ય લેવામાં આવ્યું હતું. યુવક-યુવતીઓને જયારે પુછવામાં આવ્યું કે રોમેન્સની દ્રષ્ટિએ તેઓ કયા દિવસની રાહ જોતાં હોય છે ? ત્યારે ૬૧ ટકા લોકોએ પોતાના કે પાર્ટનરના બર્થ-ડે કે એનિવર્સરીને એમાં ગણાવ્યા હતા. ૩૬ ટકા લોકોએ નવા વર્ષના દિવસને અને માત્ર ત્રણ ટકા લોકોએ વેલેન્ટાઇન્સ ડેને એમાં ગણાવ્યો હતો.

શું તમે વેલેન્ટાઇન્સ ડે સેલિબ્રેટ કરવામાં માનો છો? એવા સવાલના જવાબમાં ૬૮ ટકા લોકોએ સ્પષ્ટ ના અને ૩ર ટકા લોકોએ હા પાડી હતી. આ દિવસ વિશેની હજી વધુ સ્પષ્ટ રૂખ સમજવા માટે જયારે એવું પુછવામાં આવ્યું કે તમે શા માટે વેલેન્ટાઇન્સ ડે સેલિબ્રેટ નથી કરતા ? ત્યારે પંચાવન ટકા લોકોએ કહેલું કે એનો ખોટો હાઇપ ઉભો થયો છે. ર૮ ટકા લોકોએ કહેલું કે જયારે તેઓ તેમના પ્રિયજન સાથે હોય એ દરેક દિવસ વેલેન્ટાઇન્સ ડે જે હોય છે અને ૧૭ ટકા લોકોએ કહેલું કે આ દિવસે બહાર બહુ ક્રાઉડ હોય છે એટલે તેઓ ઉજવણી નથી કરતા.

(4:49 pm IST)