મુખ્ય સમાચાર
News of Wednesday, 14th February 2018

ઓપરેશન માટે નેતાઓના ભલામણના રોજના ૪૦૦૦ લેટર આવે છે

એઇમ્સમાં એડિમટ કરાવવાને લઇ મળતી ભલામણોથી ત્યાંના ડોકટરો પરેશાન

નવી દિલ્હી તા. ૧૪ : એઇમ્સમાં એડમિટ કરાવવાને લઇ મળતી ભલામણોથી ત્યાંના ડોકટરો પરેશાન છે. દર્દીઓના ઝડપથી ઇલાજ અને એડમિટ કરવા માટે રોજ બેથી ચાર હજાર ભલામણના લેટર મળે છે, તેનાથી પરેશાન થઇને એઇમ્સના રેસિડેન્ટ ડોકટરોએ દેશભરના સાંસદ અને ધારાસભ્યને અપીલ કરી છે કે તેઓ ભલામણ કરવાનું બંધ કરે. જો તેઓ ખરેખર દર્દીઓને મદદ કરવા ઇચ્છતા હોય તો પોતાના ક્ષેત્રમાં ઇલાજની કમીને લઇ વડા પ્રધાન અને સ્વાસ્થ્ય પ્રધાનને પત્ર લખે.

ગઇ કાલે દિલ્હીના એક સાંસદે કિડનીના દર્દીના ઇલાજ માટે ભલામણ પત્ર લખ્યો. આ પત્ર બાદ એઇમ્સના રેસિડેન્ટ ડોકટર્સનું કહેવું છે કે દર્દીને ઇલાજ તો મળી શકતો નથી, પરંતુ તેમને પરેશાની જરૂર થાય છે. સાંસદ અને ધારાસભ્ય દર્દીઓને ખોટો દિલાસો આપવા માટે પત્ર લખી દે છે. એઇમ્સના રેસિડેન્ટ ડોકટર્સ એસોસીએશનના પ્રેસિડેન્ટ ડો.હરજિતસિંહ ભાટીએ કહ્યું કે આ રોજનું કામ છે. દરેક સાંસદ અને એમએલએ પોતાના લેટર પેડ પર કોઇનીયે ભલામણ મોકલી આપે છે.

સાંસદ અને એમએલએને શું એ પણ ખ્યાલ નથી કે અહીં મર્યાદિત બેડ છે. જો તેમના વિસ્તારમાં ઇલાજની સુવિધા ન હોય તો જેટલી વખત તેઓ એઇમ્સને ભલામણપત્ર લખે છે એટલી વાર પીએમ અને સ્વાસ્થ્ય પ્રધાનને પત્ર લખી જણાવે કે તેમના ત્યાં સ્વાસ્થ્ય સુવિધા નથી. જો તેઓ આમ નહીં કરે તો તેમના વિસ્તારની જનતાની પરેશાની કયારેય ઘટશે નહીં.

ડો.ભાટીએ કહ્યું કે દેશભરના એમએલએ અને સાંસદ પત્ર લખી આપે છે. રોજ સરેરાશ બેથી ચાર હજાર જેટલી ભલામણ આવે છે. સમસ્યા એ થાય છે કે ઇલાજ કરનારા ડોકટર આ પત્રને ગંભીરતાથી જોતા નથી, કેમ કે તેમની સામે જે દર્દી હોય છે તે તેમના માટે મહત્ત્વના હોય છે. કોઇ પણ દર્દીની જરૂરિયાતને ટાળીને ભલામણ લાવનારને એડમિટ કરવા મુશ્કેલ હોય છે. આવા સંજોગોમાં દર્દીની પરેશાની વધી જાય છે.

(4:54 pm IST)