મુખ્ય સમાચાર
News of Wednesday, 14th February 2018

ભારત પર ત્રાસવાદી હુમલા જારી રાખી શકે છેઃ અમેરિકા

ભારત-પાકિસ્તાન વચ્ચે ટેન્શન યથાવત રહેશે : ભારતીય સેના અને સુરક્ષા દળોને હાલમાં તમામ જગ્યાએ વધારે સાવધાન રહેવાની જરૂર છે : હેવાલમાં દાવો કરાયો

વોશિગ્ટન,તા. ૧૪ : અમેરિકાના ઇન્ટેલિજન્સ ચીફે કહ્યુ છે કે ભારતમાં હજુ ત્રાસવાદી હુમલા જારી રહી શકે છે. તેમણે ચેતવણી આપતા કહ્યુ છે કે પાકિસ્તાનનો ટેકો ધરાવતા ત્રાસવાદીઓ હુમલા કરીને તંગદીલી વધારી શકે છે. નેશનલ ઇન્ટેલિજન્સના નિર્દેશક ડૈન કોટ્સના નિવેદન એવા સમય પર આવ્યા છે જ્યારે ભારતમાં બે હુમલા કરવામાં આવી ચુક્યા છે. નોંધનીય છે કે ગયા શનિવારે જમ્મુ-પઠાણકોટ માર્ગ પર આર્મી કેમ્પમાં  સવારે ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં છ જવાનો શહીદ તઇ ગયા હતા અને એક નાગરિકનુ મોત થયુ હતુ. હુમલાને અંજામ આપનાર  ચારેય ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો.  ભારતીય સેનાના જવાનોએ વધુ નુકસાન ન થાય તે હેતુસર આ ઓપરેશન ચલાવ્યુ હતુ. જેથી વધારે નુકસાન થયુ હતુ.  ઠાર મરાયેલા ત્રાસવાદીઓની પાસેથી એકે ૪૭ અને અન્ય ઘાતક હથિયારોનો જથ્થો મળી આવ્યા હતા. જે પણ કેટલાક પ્રશ્નો ઉભા કરે છે.  આર્મી કેમ્પ પર શનિવારે ભીષણ ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હતો.  ઓપરેશન ઓલઆઉટ સેનાએ હાથ ધરીને ૨૦૦થી વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓમાં ભારે દહેશત ફેલાઇ ગઇ છે. જેથી ત્રાસવાદીઓ સેનાના જવાનો અને તેમના પરિવારના સભ્યો પર હુમલા કરી રહ્યા છે.

દેશના તમામ લોકો સારી રીતે જાણે છે કે જમ્મુકાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી ઓપરેશન ઓલઆઉટ ચાલે છે. જેના ભાગરૂપે ત્રાસવાદીઓને શોધી શોધીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી રહ્યા છે.સુંજવાન આર્મીકેમ્પ હુમલાને લઇને ઓપરેશન પૂર્ણ થાય તે પહેલા જ ત્રાસવાદીઓએ બીએસએફ કેમ્પ પર હુમલો કર્યો હતો. જમ્મુ કાશ્મીરના પાટનગર શ્રીનગરના કરણ નગર સ્થિત સીઆરપીએફ કેમ્પ પર આ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.

(12:29 pm IST)