મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમાએ જિલ્લા કલેક્ટરને ટ્રાફિક રોકી રાખવા બદલ ખખડાવ્યા

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કોઈ રાજા-મહારાજા આવે છે કે તમે વાહનો રોકી રાખ્યા છે?

આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમાએ નગાંવ જિલ્લાના કલેક્ટર ટ્રાફિક રોકી રાખવા બદલ ખખડાવ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કોઈ રાજા-મહારાજા આવે છે કે તમે વાહનો રોકી રાખ્યા છે?

આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમા નગાંવ જિલ્લાની મુલાકાતે હતા. નગાંવની કોલેજના સમારોહમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી આવતા હોવાથી જિલ્લા કલેક્ટરે સુરક્ષાના કારણો હેઠળ વાહનો રોકી રાખ્યા હતા.

નેશનલ હાઈવે લગભગ ૧૫ મિનિટ સુધી બંધ રહ્યો હતો.વાહનોની લાંબી લાઈન જોઈને મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને તેના વિશે પૂછ્યું હતું. તેમના આવવાના કારણે ટ્રાફિક રોકી રખાયો છે એ જાણ્યા બાદ મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમાએ જિલ્લા પોલીસ વડાને બોલાવીને ખખડાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ શું નાટક છે? ગાડીઓ કેમ રોકી રાખી છે? કોઈ રાજા મહારાજા આવી રહ્યા છે? આવું ન કરો. લોકોને મુશ્કેલી પડે છે. ગાડીઓને જવા દો.
મુખ્યમંત્રીની સૂચના પછી તુરંત વાહનોને રવાના કરી દેવામાં આવે છે. મુખ્યમંત્રીનો આ વીડિયો ટ્વિટરમાં રજૂ થયો હતો. એ પછી વીડિયો અનેક લોકોએ શેર કર્યો હતો.
મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમાએ નગાંવની મુલાકાત લીધી હતી અને કોલેજને રાજ્યકક્ષાની યુનિવર્સિટી બનાવવાની જાહેરાત કરી હતી.

(1:01 am IST)