મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

ભારે પડશે ચૂંટણી : યુપીમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોરોના વિસ્ફોટ : 6 દિવસમાં 70 હજારથી વધુ કેસ નોંધાયા

પ્રથમ તબક્કાનું મતદાન છે. તે જિલ્લાઓમાં જ સૌથી વધુ સંક્રમણ

લખનૌ : સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે.અને કોવિડ નિયમોના પાલન પર સૌથી વધુ ભાર મુકાઈ રહ્યો છે. જોકે પાંચ રાજ્યોમાં ચૂંટણીનો માહોલ છે. જેમાં સૌથી ચિંતાનો વિષય ઉત્તર પ્રદેશ બની રહ્યો છે. કારણ કે, યુપીમાં પ્રથમ તબક્કાનું મતદાન પહેલા જ કોરોના વિસ્ફોટ થયો છે.ખાસ કરીને જ્યાં પ્રથમ તબક્કાનું મતદાન છે. તે જિલ્લાઓમાં જ સૌથી વધુ સંક્રમણ જોવા મળી રહ્યુ છે.

કોરોનાકાળમાં ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી જાહેર થઈ ત્યારથી જે ભીતિ હતી તે સાચી પડી રહી છે. કારણ કે ઉત્તર પ્રદેશમાં ચૂંટણીને લઈને રેલીઓ શરૂ થાય તે પહેલા જો કોરોના વિસ્ફોટ થયો છે અને ડેઈલી કોરોના પોઝિટિવ કેસમાં 200 ટકાનો વધારો નોંધાયો છે. યુપીમાં પ્રથમ તબક્કામાં જયાં ચૂંટણી યોજાવવાની છે. તે જિલ્લાઓમાં જ સૌથી વધુ સંક્રમણ ફેલાતુ જોવા મળી રહ્યુ છે જે ચિંતાજનક છે. ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, મેરઠ, આગરા, મથુરા, મુઝફફરનગર અને બુલંદ શહેર જિલ્લામાં 40 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

ઉત્તર પ્રદેશમાં કોરોનાની ત્રીજી લહેરની સૌથી વધુ અસર દિલ્હી એનસીઆર સાથે જોડાયેલા નોઈડા, ગાઝિયાબાદ અને મેરઠમાં છે. આઠ જાન્યુઆરીએ આ ત્રણ શહેરોમાં કુલ 8 હજાર 245 કેસ હતા. જોકે, 13 જાન્યુઆરીએ 32 હજાર 553 થયા છે. જે સમગ્ર યુપીના કુલ એક્ટિવ કેસના 40 ટકા છે. યુપીમાં પ્રથમ તબક્કામાં આ ત્રણેય જિલ્લામાં મતદાન છે અને તે માટે ઉમેદવારી પત્ર ભરવાની પણ શરૂઆત થઈ ચૂકી છે.

ઉત્તર પ્રદેશમાં સાત તબક્કાની ચૂંટણીમાં પશ્ચિમ યુપીના 11 જિલ્લાનું પ્રથમ તબક્કાનુ 10 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને 58 વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે રેલીઓ કોરોના સ્પ્રેડરનું કામ કરી શકે છે અને આથી જ ચૂંટણી પંચે રેલીઓ સહિતના પ્રતિબંધો 22 જાન્યુઆરી સુધી તો વધારી દીધા છે.

(12:42 am IST)