મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

ભારે કરી : બ્રાઝિલમાં પ્રમુખની મંજૂરી વિના જ 5થી 11 વર્ષનાં બાળકોનું રસીકરણ શરૂ કરાયું

સાઓ પાઉલોના ગવર્નરની બાળકોને રસી આપવાની શરૂઆત: બોલ્સોનારોએ ફરી કહ્યું, 11 વર્ષની પુત્રીને વેક્સિન નહીં આપું

નવી દિલ્હી :  વિશ્વભરમાં રોજ કોરોના સંક્રમણના લાખો કેસ સામે આવી રહ્યા છે.સંક્રમણ કેસો વધતાં અનેક દેશો કોવિડ-19 રસીકરણની ઝડપ વધારી રહ્યા છે. બ્રાઝિલમાં તો પ્રમુખ જાયર બોલ્સોનારોએ વાંધો લીધો હોવા છતાં બાળકોના રસીકરણની મંજૂરી અપાઈ ચૂકી છે. બ્રાઝિલમાં શુક્રવારે 5થી 11 વર્ષના બાળકોને રસી આપવાની શરૂઆત થઈ ગઈ હતી.

સાઓ પાઉલોની એક હોસ્પિટલમાં રાજ્યના ગવર્નર જોઆઓ ડોરિયાની ઉપસ્થિતિમાં બાળકોના રસીકરણની શરૂઆત થઈ ચૂકી છે. આઠ વર્ષના ડેવી સેરેમ્રામિવે જાવંતને પ્રથમ રસી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બ્રાઝિલમાં વયસ્કો માટે રસીકરણની શરૂઆત પણ જાન્યુઆરી 2021માં સાઓ પાઉલોમાં થઈ હતી. બ્રાઝિલ આરોગ્ય અધિકારીઓએ એક મહિના પહેલાં બાળકોના નવા સમૂહના રસીકરણ અભિયાનની જાહેરાત કરી હતી.

આરોગ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યા મુજબ બ્રાઝિલમાં અત્યારસુધીમાં કોવિડ-19થી 6.20 લાખ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે. મૃતકોમાં 300 બાળકોનો પણ સમાવેશ થાય છે.

(12:31 am IST)