મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

વિરાટ કોહલી એક સફળ સુકાની પરંતુ ચાર ઘા પણ મળ્યા જે તે ક્યારેય ભૂલી શકશે નહીં

વિરાટની કપ્તાની હેઠળ, ટીમ ઈન્ડિયાએ પાંચ વખત નંબર 1 સ્થાન પર કેલેન્ડર વર્ષ પૂરું કર્યું હતુ.

મુંબઈ :વિરાટ કોહલીએ ભારતીય ટેસ્ટ ટીમ ની કેપ્ટન્સી પણ છોડી દીધી છે. ODI અને T20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડ્યા બાદ શનિવારે વિરાટ કોહલી એ સોશિયલ મીડિયા પર કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. વિરાટ વર્ષ 2014માં ટેસ્ટ કેપ્ટન બન્યો હતો અને છેલ્લા 7 વર્ષમાં તેણે ટીમને તળીયે થી ઉંચાઇ સુધી પહોંચાડી હતી.

વિરાટે જ્યારે ટીમની કમાન સંભાળી ત્યારે 7મા નંબર પર હતી, પરંતુ કોહલીની કેપ્ટનશિપે ટીમને નંબર 1 બનાવી દીધી. વિરાટની કપ્તાની હેઠળ, ટીમ ઈન્ડિયાએ પાંચ વખત નંબર 1 સ્થાન પર કેલેન્ડર વર્ષ પૂરું કર્યું હતુ.

વિરાટની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતીને ઈતિહાસ રચ્યો હતો. વિરાટ માત્ર ભારતનો જ નહીં પણ એશિયાનો સફળ ટેસ્ટ કેપ્ટન બન્યો. માત્ર ટેસ્ટમાં જ નહીં પરંતુ ODI અને T20 ફોર્મેટમાં પણ વિરાટે પોતાની કેપ્ટનશિપ સાબિત કરી છે. હવે વિરાટ કોહલી કોઈપણ ફોર્મેટ કે કોઈપણ ટીમનો કેપ્ટન નથી. વિરાટ કોહલીએ તેની કેપ્ટનશિપ કારકિર્દીમાં ઉંચાઈઓને સ્પર્શી હતી પરંતુ તેને 4 એવા ઘા પણ મળ્યા જે તે ક્યારેય ભૂલી શકશે નહીં.

વિરાટ કોહલીની કેપ્ટનશીપ કારકિર્દી ઘણી સફળ રહી પરંતુ તે એક પણ ટુર્નામેન્ટ જીતી શક્યો ન હતો. વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા આઈસીસીની કોઈપણ ટૂર્નામેન્ટ જીતી શકી નથી. વિરાટ કોહલીને તેની કેપ્ટનશિપ કારકિર્દીમાં 4 વખત ચેમ્પિયન કેપ્ટન બનવાની તક મળી પરંતુ દરેક વાળમાં માત્ર નિષ્ફળતા જ મળી.

વિરાટ કોહલીને ICC ટ્રોફી જીતવાની પહેલી તક વર્ષ 2017માં જ મળી હતી. ઈંગ્લેન્ડમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર રમત બતાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ટાઈટલ ટક્કર પાકિસ્તાન સાથે થઈ અને ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ. વિરાટ કોહલી પોતે પણ ટાઈટલ મેચમાં ફ્લોપ સાબિત થયો હતો.

વિરાટ કોહલીને વર્ષ 2019માં ICC ટ્રોફી જીતવાની બીજી તક મળી. તે વખતે ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ રમાઈ રહ્યો હતો, જેમાં ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે હારી ગઈ હતી. ટીમ ઈન્ડિયાને માત્ર 240 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ ટીમ 221 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

વિરાટે માત્ર ટેસ્ટ ફોર્મેટમાં કેપ્ટન તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે દેશ-વિદેશમાં એક પણ શ્રેણી ગુમાવી ન હતી અને તેણે ઓસ્ટ્રેલિયામાં પણ ટીમને જીત અપાવી હતી. જો કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ફરી એકવાર વિરાટ કોહલીને નિરાશા હાથ લાગી હતી. ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 8 વિકેટે હરાવ્યું હતું.

 

વિરાટ કોહલી ગત વર્ષે T20 વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવી શક્યો ન હતો. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં નોકઆઉટ સ્ટેજ સુધી પણ પહોંચી શકી નથી. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ ટીમ લીગ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી.

(10:17 pm IST)