મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

ભાજપ પીડિતાને ન્યાય માટે રાજસ્થાનમાં પ્રદર્શન કરશે

બાળકી પર ગેંગરેપ પર રાજકારણ ગરમાયું : ૧૭ અને ૧૮ જાન્યુઆરીના રોજ ભાજપ રાજસ્થાનના તમામ મંડળોમાં રાજ્ય સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરશે

નવી દિલ્હી, તા.૧૫ : રાજસ્થાનના અલવર ખાતે મૂક-બધિર બાળકી સાથે ગેંગરેપના કેસમાં ભાજપ સતત ગેહલોત સરકાર પર નિશાન સાધી રહ્યું છે. ત્યારે હવે ભાજપે અલવરની પીડિતાને ન્યાય અપાવવા માટે સમગ્ર રાજ્યમાં મોટા પાયે પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. ભાજપના નેતા સતીશ પૂનિયાએ જણાવ્યું કે, ૧૭ અને ૧૮ જાન્યુઆરીના રોજ ભાજપ રાજસ્થાનના તમામ મંડળોમાં રાજ્ય સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરશે.  રાજસ્થાનના અલવર ખાતેથી ગેંગરેપનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. ત્યાં એક મૂક બધિર બાળકી સાથે ગેંગરેપ કરવામાં આવેલો. જયપુરના ડોક્ટર્સની ટીમે ૮ કલાક સુધી ઓપરેશન કરીને ભારે મહેનતથી બાળકીને બચાવી લીધી છે પરંતુ ૧૬ વર્ષની સગીરા સાથે જે રીતે હેવાનિયત થઈ છે તે જોઈને ડોક્ટર્સ પણ કાંપી ઉઠ્યા હતા.  સગીરા સાથે ગેંગરેપ કરવા ઉપરાંત તેના પ્રાઈવેટ પાર્ટમાં અણીદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેને ઘાયલ કરવામાં આવી હતી. પ્રાઈવેટ પાર્ટમાં અણીદાર પદાર્થ વડે ઈજા પહોંચાડવાના કારણે તેનો પ્રાઈવેટ પાર્ટ અને મળદ્વાર એક થઈ ગયા હતા. જોકે પોલીસના કહેવા પ્રમાણે બાળકી સાથે ગેંગરેપ નથી થયો. બાળકી સાથે હેવાનિયતના કેસમાં તપાસ બાદ પોલીસે બાળકી સાથે રેપની ઘટનાનો ઈનકાર કર્યો છે. શુક્રવારે અલવરના પોલીસ અધીક્ષક તેજસ્વિની ગૌતમે પોતે જ મીડિયાને આ અંગેની જાણકારી આપી હતી. તેમણે મેડિકલ રિપોર્ટનો હવાલો આપીને કહ્યું હતું કે, આ કેસમાં હજુ રેપની પૃષ્ટિ નથી થઈ. આ તરફ આ કેસના આરોપીઓ હજુ પણ પોલીસની પહોંચથી દૂર છે. પોલીસના કહેવા પ્રમાણે ૨૫ કિમીના ક્ષેત્રમાં ૩૦૦ કરતાં વધારે સીસીટીવી ફુટેજની તપાસ કરવામાં આવી છે પરંતુ હજુ કોઈ પુરાવો નથી મળ્યો. આ પીડિતાના માતા-પિતા મજૂરીકામ કરે છે અને તેને એક ભાઈ-બહેન

પણ છે. ભાજપના પ્રવક્તા સાંબિત પાત્રાએ આ મામલે પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે અલવરમાં આ ઘટના બની રહી હતી ત્યારે પ્રિયંકા ગાંધી રણથંભોર ખાતે રોબર્ટ વાડ્રા સાથે જન્મદિવસ ઉજવી રહ્યા હતા. જ્યારે ભાજપના નેતાઓને ખબર પડી કે, પ્રિયંકા ગાંધી રાજસ્થાનમાં છે તો તેમણે પ્રિયંકાની મુલાકાત માટે પ્રયત્ન કર્યો પરંતુ કોંગ્રેસી નેતાઓએ એમ કહીને ન મળવા દીધા કે, પ્રિયંકા ગાંધી પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સાંબિત પાત્રાએ કહ્યું કે, જે છોકરી બોલી નથી શકતી તેના સાથે અલવરમાં જે બન્યું તે હૃદય કંપાવી દેનારૃં છે. તેમણે પ્રિયંકા ગાંધીને સવાલ કર્યો હતો કે, અલવરમાં એક ૧૫-૧૬ વર્ષની બાળકી સાથે દુર્વ્યવહાર થાય છે, એક ગાડી લોહીથી લથપથ બાળકીને રસ્તા પર છોડીને જતી રહે છે, આજે તે બાળકી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે ત્યારે શું પ્રિયંકા તે પીડિતાને મળી? શું તે પીડિતાના ઘરે ગઈ? જોકે અશોક ગેહલોતે ટ્વિટરના માધ્યમથી આ મામલે કોઈ રાજકારણ ન થવું જોઈએ તેમ જણાવ્યું હતું.

(7:49 pm IST)