મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

હજારો લોકો સાથે ખીચડી ખાઈ રહેલા મુખ્યમંત્રી યોગી સામે કેસ કરો : સ્વામી પ્રસાદ મૌર્ય

ભીડ પર કોરોના નિયમોના ઉલ્લંઘનને લઈ કેસ દાખલ : કોરોનાના પગલે ચૂંટણી પંચે રેલીે પર પ્રતિબંધ મુક્યો છે

નવી દિલ્હી, તા.૧૫ : કોરોના પ્રોટોકોલના ભંગ બદલ સમાજવાદી પાર્ટીના કાર્યકરો પર થયેલા કેસ બાદ સ્વામી પ્રસાદ મૌર્યનું  નિવેદન સામે આવ્યું છે. હકીકતે લખનૌમાં સમાજવાદી પાર્ટીના કાર્યાલય ખાતે નેતાઓ અને કાર્યકરોની ભીડ જામી હતી. ત્યાર બાદ કાર્યાલયમાં ઉમટેલી ભીડ પર કોરોના નિયમોના ઉલ્લંઘનને લઈ કેસ દાખલ કરવામાં આવ્યો છે.   ત્યારે હવે સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે, સૌથી પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરૂદ્ધ કેસ દાખલ કરવો જોઈએ. શુક્રવારે મુખ્યમંત્રી ગોરખપુરમાં હજારો લોકો સાથે ખીચડી ખાઈ રહ્યા હતા માટે પહેલા તેમના વિરૂદ્ધ કેસ દાખલ થવો જોઈએ.

મુખ્યમંત્રી આચારસંહિતાના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ સાર્વજનિકરૂપે હજારો લોકો વચ્ચે ખીચડી ખાધી માટે તેમના વિરૂદ્ધ કેસ થવો જોઈએ.  કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાના પગલે ચૂંટણી પંચે રેલીઓ પર પ્રતિબંધ મુક્યો છે. આ પ્રતિબંધ ૧૫મી જાન્યુઆરી સુધી લાગુ રહેવાનો છે. પરંતુ શુક્રવારે લખનૌના સપા કાર્યાલયની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. સપાએ તેને નામ ભલે વર્ચ્યુઅલ રેલીનું આપેલું પરંતુ ત્યાં સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડ્યા હતા અને કોરોના પ્રોટોકોલનું કોઈ પાલન નહોતું થયું. ત્યાર બાદ સપાના કુલ ૨,૫૦૦ નેતાઓ અને કાર્યકરો વિરૂદ્ધ કેસ દાખલ થયો હતો. 

પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ ભાજપમાંથી સપામાં ગયેલા સ્વામી પ્રસાદ મૌર્યએ ભીડને લઈ સીએમ યોગી આદિત્યનાથ વિરૂદ્ધ કેસ દાખલ કરવાની માગણી કરી છે. શનિવારે મકર સંક્રાંતિ હતી તે પ્રસંગે ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં ખીચડી ચઢાવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. તે દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભીડને લઈ કોરોના પ્રોટોકોલનું પાલન કરવા પણ વિનંતી કરી હતી. તેના પહેલા શુક્રવારે બપોરે તેઓ એક દલિત પરિવારના ઘરે જઈને ખીચડી જમ્યા હતા. તેને લઈ સ્વામી પ્રસાદ મૌર્યનું કહેવું છે કે, મુખ્યમંત્રીએ સાર્વજનિક રીતે હજારો લોકોની વચ્ચે ખીચડી ખાધી માટે તેમના વિરૂદ્ધ કેસ થવો જોઈએ. તેમણે આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.

(7:46 pm IST)