મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

સેના દિવસ : લોંગેવાલા ખાતે ૨૨૫ ફૂટ લાંબો : ૧૫૦ ફૂટ પહોળો વિશ્વનો સૌથી વિશાળ ખાદીનો તિરંગો લહેરાવ્‍યો

આ ઝંડાને બનાવવામાં ૪,૫૦૦ મીટર હાથથી કાંતેલા અને હાથથી વણેલા ખાદીના સુતરાઉ ધ્‍વજપટનો ઉપયોગ કરવામાં આવેલો છે જે ૩૩,૭૫૦ વર્ગ ફૂટના કુલ ક્ષેત્રફળને કવર કરે છે

નવી દિલ્‍હી તા. ૧૫ : આજે શનિવારે સેના દિવસ નિમિત્તે રાજસ્‍થાનના જૈસલમેર ખાતે ભારત-પાકિસ્‍તાન સરહદ પર ખાદીમાંથી બનેલો રાષ્ટ્રીય ધ્‍વજ ‘તિરંગો' લહેરાવવામાં આવશે. આ તિરંગો લોંગેવાલામાં પ્રદર્શિત કરવામાં આવશે જે ૧૯૭૧માં ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે થયેલા ઐતિહાસિક યુદ્ધનું મુખ્‍ય કેન્‍દ્ર હતું.ᅠ
આ તિરંગો ૨૨૫ ફૂટ લાંબો અને ૧૫૦ ફૂટ પહોળો છે અને તેનું વજન ૧,૪૦૦ કિગ્રા છે. આ ઝંડો તૈયાર કરવામાં ખાદીના ૭૦ કારીગરોને ૪૯ દિવસ લાગ્‍યા હતા. સ્‍મારક રાષ્ટ્રીય ધ્‍વજના નિર્માણથી ખાદી કારીગરો અને શ્રમિકોને ૩,૫૦૦ કલાકનું વધારાનું કામ મળ્‍યું છે. આ ઝંડાને બનાવવામાં ૪,૫૦૦ મીટર હાથથી કાંતેલા અને હાથથી વણેલા ખાદીના સુતરાઉ ધ્‍વજપટનો ઉપયોગ કરવામાં આવેલો છે જે ૩૩,૭૫૦ વર્ગ ફૂટના કુલ ક્ષેત્રફળને કવર કરે છે. ધ્‍વજમાં અશોક ચક્રનો વ્‍યાસ ૩૦ ફૂટ છે.ᅠᅠ
૨ ઓક્‍ટોબર, ૨૦૨૧ના રોજ લેહ ખાતે તિરંગાનું અનાવરણ કરવામાં આવ્‍યું હતું. ત્‍યાર બાદ ખાદી દ્વારા સાર્વજનિક પ્રદર્શન માટે બનાવાયેલો આ ૫મો ધ્‍વજ છે. બીજો તિરંગો ૮ ઓક્‍ટોબર, ૨૦૨૧ના રોજ વાયુ સેના દિવસના અવસર પર હિંડન એરબેઝ પર અને ૨૧ ઓક્‍ટોબર, ૨૦૨૧ના રોજ લાલ કિલ્લા પર પ્રદર્શિત કરવામાં આવ્‍યો હતો. તે જ દિવસે ભારતમાં ૧૦૦ કરોડ વેક્‍સિનેશન ડોઝનો આંકડો પૂરો કરવામાં આવ્‍યો હતો. ૪ ડિસેમ્‍બર, ૨૦૨૧ના રોજ નૌસેના દિવસની ઉજવણી માટે મુંબઈમાં ગેટવે ઓફ ઈન્‍ડિયા પાસે નૌસેના ડોકયાર્ડમાં રાષ્ટ્રીય ધ્‍વજ લહેરાવવામાં આવ્‍યો હતો.ᅠ
તિરંગો ભારતીયતાની સામૂહિક ભાવના અને ખાદીના વારસા શિલ્‍પકલાનું પ્રતીક છે. આ તિરંગાને ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા સ્‍વતંત્રતાના ૭૫ વર્ષ પૂરા થવા પર ‘આઝાદીના અમૃત મહોત્‍સવ' અંતર્ગત તૈયાર કરવામાં આવ્‍યો છે. ઐતિહાસિક અવસરો પર પ્રમુખ સ્‍થળોએ ધ્‍વજને પ્રદર્શિત કરવા માટે તેને સુરક્ષાબળોને સોંપવામાં આવ્‍યો છે.


 

(3:51 pm IST)